મુખ્ય સમાચાર
News of Wednesday, 28th July 2021

સતત બીજા વર્ષે રાજકોટનો રંગીલો લોકમેળો રદ્દ

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વહિવટી તંત્રએ લીધો નિર્ણયઃ લોકોએ જન્માષ્ટમીની ઉજવણી ઘરે રહીને જ કરવી પડશે :રાજકોટ કલેકટર અરૂણ મહેશબાબુની 'અકિલા' સાથે વાતચીત : જીલ્લામાં ઘેલા સોમનાથ-ઇશ્વરીયા-ઓસમ ડુંગર સહિત એક પણ મેળા નહિ થાય

રાજકોટ તા. ર૮ :.. કોરોનાને કારણે ગયા વર્ષે લોકમેળો કલેકટર તંત્રે રદ કર્યો હતો અને હવે સતત બીજા વર્ષે પણ રાજકોટનો લોકમેળો આખરે રદ કરી નખાયાનું સુત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન રાજકોટના જગવિખ્યાત લોકમેળા અંગે જીલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ 'અકિલા' સાથેની ટેલીફોનિક વાતચીતમાં ઉમેર્યુ હતું કે, કોવીડની સ્થિતિ જોતા, ત્રીજી વેવની આશંકાએ અને બાળકો ઉપર જોખમની દ્રષ્ટિએ રાજકોટનો લોકમેળો યોજી શકાય નહિ, મેળો યોજવો એ જોખમકારક બની રહેશે, આમ, રાજકોટનો લોકમેળો સતત બીજા વર્ષે રદ થયો છે, દર વખતે મેળામાંથી કલેકટર તંત્રને ૧ાા કરોડનો ચોખ્ખો નફો થાય છે, આમ બે વર્ષમાં તોતીંગ ૩ કરોડની નુકશાની કોરોનાએ કરાવી દિધી છે.

રાજકોટનો લોકમેળો નહિ યોજવાનો નિર્ણય કરી કલેકટર તંત્રે મહત્વનો અને આવકારદાયક નિર્ણય લીધો છે. આ સાથે રાજકોટ જીલ્લામાં સાત-આઠમના તહેવારો ઉપર સંખ્યાબંધ મેળાઓ થતા તેમાં આજી ડેમ, ન્યારી ડેમ, ભાદર ડેમ, ઇશ્વરીયા પાર્ક, ઘેલા સોમનાથ, ઓસમ ડુંગર, પાટણવાવ... આ બધા લોકમેળાઓ પણ આ સાથે રદ થઇ ગયા છે. ગુજરાતમાં કોરોનાના કેસો માંડ રપ થી ૩૦ આવી રહ્યા છે, એમાં રાજકોટનો લોકમેળો યોજાય તો પ દિ' માં ૧ર થી ૧પ લાખ લોકો મેળો માણવા ઉમટી પડે છે, આવી જ સ્થિતિ જીલ્લામાં પણ થાય છે, એ જોતા મેળો નહિ યોજવાનો નિર્ણય અત્યંત આવકારદાયક મનાઇ રહ્યો છે.

(3:07 pm IST)