મુખ્ય સમાચાર
News of Wednesday, 28th July 2021

કેરળમાં ચર્ચનું એલાન : પાંચથી વધુ બાળકો પેદા કરવા પર મળશે આર્થિક સહાય

યુપી - આસામમાં જનસંખ્યા નિયંત્રણ માટે લેવાઇ રહેલા પગલા વચ્ચે

કોટ્ટયમ તા. ૨૮ : મધ્ય કેરલના એક કેઘલિક ચર્ચે પાંચ કે વધુ બાળક ધરાવતા પરિવારો માટે કલ્યાણકારી યોજના જાહેર કરી છે. ચર્ચના આ પગલાને રાજયમાં ખ્રિસ્તીઓની સંખ્યા વધારવાના પ્રોત્સાહક પગલા તરીકે જોવાય છે.

પાલા ડાયોસીઝ ઓફ સાયરો- મલબાર ચર્ચ હેઠળ ફેમિલી એપોસ્ટોલેટ દ્વારા લોન્ચ કરાયેલી આ પહેલમાં ૨૦૦૦ની સાલ પછી લગ્ન થયા હોય અને પાંચ કે વધુ બાળકો ધરાવતા દંપતિને મહિને રૂ.૧,૫૦૦ની નાણાકીય સહાય આપવાનો નિર્ણય લેવાયો છે. ચર્ચ દ્વારા 'યર ઓફ ધ ફેમિલી'ના ભાગરૂપે આ જાહેરાત કરવામાં આવી હતી. પગલાનો હેતુ કોવિડ-૧૯ પછીની સ્થિતિમાં મોટા ખ્રિસ્તી પરિવારોને સહાય કરવાનો છે. ચર્ચ હેઠળ ફેમિલી એપોસ્ટોલેટની અધ્યક્ષતા સંભાળતા ફાધર જોસેફ કુટ્ટિઅંકલે જણાવ્યું હતું કે, 'અમને ટૂંક સમયમાં અરજીઓ મળવા માંડશે અને કદાચ ઓગસ્ટથી અમે સહાય આપવાનું શરૂ કરી શકીશું.' સોમવારે ચર્ચ દ્વારા 'યર ઓફ ધ ફેમિલી'ની ઉજવણીના ભાગરૂપે બિશપ જોસેફ કલ્લારંગટે એક ઓનલાઇન મીટિંગમાં આ સ્કીમ જાહેર કરી હતી.

ખ્રિસ્તી પરિવારોને નાણાકીય સહાયનું પગલું કેરલમાં ખ્રિસ્તીઓની ઘટી રહેલી વસ્તીને ધ્યાનમાં રાખીને લેવાયું છે એવો પ્રશ્ન કરાયો હતો. જોકે હજી સુધી રાજય સરકાર દ્વારા આ મામલે કોઈ પ્રતિક્રિયા અપાઈ નથી.

(10:56 am IST)