મુખ્ય સમાચાર
News of Wednesday, 28th July 2021

૬ કપથી વધુ કોફી પીવાથી મગજને થાય છે અસર : વ્યકિતની યાદશકિત ૫૩ ટકા જેટલી ઘટી શકે : રિસર્ચ

કોફીમાં કેફીન નામનું તત્વ મળી આવે છે : જે મગજની નર્વસ સિસ્ટમ પર અસર કરે છે

કેનબરા,તા.૨૮: ચાની જેમ કોફી પણ કરોડો લોકો પીવે છે. કોફી જીવનશૈલી સાથે જોડાયેલી છે. જેથી તેના પર અવારનવાર અભ્યાસ થાય છે. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો દ્વારા એક સંશોધન થયું હતું. જેમાં સામે આવ્યું હતું કે, રોજના ૬ કપથી વધુ કોફી પીવામાં આવે તો તેની સીધી અસર મગજ પર પડે છે. વધુ પડતી કોફી પીનાર લોકોની યાદશકિત ઘટવા (ડીમેંશિયા)નો ખતરો ૫૮ ટકા જેટલો હોય છે. આ સાથે સ્ટ્રોક આવવાની દહેશત પણ રહે છે.

કોફીમાં કેફીન નામનું તત્વ મળી આવે છે. જે મગજની નર્વસ સિસ્ટમ પર અસર કરે છે. પરિણામે વ્યકિત રિલેકસ અનુભવે છે. પરંતુ કેફીનનું પ્રમાણ વધી જાય તો તે મગજ પર ખરાબ અસર પાડે છે. જેમાં વ્યકિતને ઊંઘ ન આવવાની તકલીફ ઊભી થાય છે.

કોફીન કારણે આંખોને નુકસાન થતું હોવાનું તારણ પણ રિસર્ચમાં મળ્યું છે. ન્યુયોર્કના સિનાઇની આઈકન સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધક દ્વારા કરવામાં આવેલું આ રિસર્ચ ઓપથેમોલોજી જર્નલમાં પ્રકાશિત થયું હતું. જેમાં જણાવાયું હતું કે, કેફિનનો વધુ પડતો ઉપયોગ ગ્લુકોમાનું જોખમ વધારે છે. રિસર્ચ મુજબ ખાનપાનની આદત અને જેનેટિકના કારણે ગ્લુકોમા થઈ શકે છે. પરિવારમાં કોઈને ગ્લુકોમા હોય તો તેવા લોકોએ કેફિનનો ઉપયોગ ઓછો કરી નાખવો જોઈએ.

ચા કોફીના સેવનથી લોહીમાં શર્કરા વધવાનો ખતરો રહે છે. જે આંખમાં ધૂંધળું દેખાવા પાછળ જવાબદાર હોય શકે છે. ગ્લુકોમા થવા સાથે કેફીનને સીધો સબંધ નથી. પરંતુ ગ્લુકોમા થવાનો ખતરો વધી જાય તેવી સ્થિતિ તે આંખમાં ઉભી કરે છે.

(10:27 am IST)