મુખ્ય સમાચાર
News of Tuesday, 28th June 2022

ઉદયપુરમાં દુકાનમાં ઘુસીને યુવાનની હત્યા કરનારા બે આરોપીની ધરપકડ : શહેરના 7 વિસ્તારોમાં કર્ફ્યુ

હત્યા બાદ ફરાર થયેલા આરોપીઓને પોલીસે રાજસમંદમાંથી ઝડપી પાડ્યાં

ઉદયપુર : ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માની વિવાદાસ્પદ ટીપ્પણીના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકનાર રાજસ્થાનના ઉદયપુરના યુવાનની ઘાતકી હત્યા કરનાર બે કટ્ટરપંથીઓની પોલીસે તાબડતોબ ધરપકડ કરી લીધી છે.

પોલીસે યુવાનની હત્યાના આરોપીની ધરપકડ કરી લીધી છે. ઈસ્લામના સ્થાપક મોહમ્મદ પયંગબર સામેની નુપુર શર્માની ટીપ્પણી બાદ હત્યાની પહેલી ઘટના બની છે. રાજસ્થાનના ઉદયપુરમાં બે લોકોએ નુપુર શર્માનું સમર્થન કરતી પોસ્ટ લખવા બદલ એક વ્યક્તિનું ધારધાર હથિયારથી માથું કાપી નાખ્યું હતું. મૃતકના 8 વર્ષના પુત્રે મોબાઈલમાંથી ટ્વિટ કરીને નુપુર શર્માનું સમર્થન કર્યું હતું આથી ક્રોધે ભરાઈને બે કટ્ટરપંથીઓે છરા વડે યુવાન કનૈયાલાલનું ગળું કાપી નાખ્યું હતું. ઘાતકી હત્યા બાદ બન્ને આરોપીઓ ફરાર થઈ ગયા હતા અને રાજસમંદમાં છુપાયા હતા. 

કનૈયાલાલની હત્યા બાદ ઉદપુરમાં ભારેલો અગ્નિ સર્જાયો હતો. લોકો દુકાનો બંધ કરીને રસ્તા પર ઉતરી પડ્યાં હતા. ઘટનાને પગલે શહેરમાં તંગદિલિ ફેલાતા સત્તાવાળાઓ દ્વારા તકેદારીના પગલારુપે ઈન્ટરનેટ બંધ કરી દેવાયું હતું. 

ઉદયપુરના જે વિસ્તારમાં ઘટના બની છે ત્યાં પોલીસ દ્વારા કલમ 144 લાગુ પાડી દેવામાં આવી છે જેથી કરીને એક ઠેકાણે ઝાઝા લોકો ભેગા ન થઈ શકે. 

 

સલામતીના પગલાં રુપે કલેક્ટર દ્વારા ઉદયપુરમાં સાત વિસ્તારમાં કર્ફ્યુ લાગુ પાડી દેવાયો છે.

(9:01 pm IST)