મુખ્ય સમાચાર
News of Tuesday, 28th June 2022

જોર્ડનમાં ગેસ લિક થતાં ૧૩નાં મોત, ૨૫૦ બીમાર

જોર્ડનની દુર્ઘટનાનો વીડિયો વાયરલ થયો : આ દુર્ઘટના બાદ આસપાસમાં રહેતા લોકોને ઘરના બારી-બારણાં નહીં ખોલવાની સલાહ આપવામાં આવી

અમ્માન, તા.૨૮ : જોર્ડનમા ગેસ લીક થવાની ભયંકર ઘટના બની છે, આ ઘટનામાં ૧૩ લોકોના મોત થઈ ગયા છે જ્યારે ૨૫૦ જેટલા લોકોને ગેસ ગળતરના કારણે બીમાર પડી ગયા છે. આ દુર્ઘટનાનો સીસીટીવીવિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દેખાય છે કે ટોક્સિક ગેસ ભરેલું ટેંકર ફાટે છે અને ભયાનક દ્રશ્યો બંદર પર સર્જાય છે. જોર્ડનના દક્ષિણ ભાગમાં આવેલા એક્વાબા બંદર પર બની હતી, જેમાં દુર્ઘટના બાદ લોકોએ નાસભાગ કરી મૂકી હતી. આ દુર્ઘટના બાદ આસપાસમાં રહેતા લોકોને ઘરના બારી-બારણાં ના ખોલવાની સલાહ આપવામાં આવી હોવાનું પણ વિવિધ મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યું છે.

જોર્ડનના એક્વાબા બંદર પર બનેલી આ દુર્ઘટનાના વિડીયોમાં દેખાય છે કે જ્યારે એક ક્રેનની મદદથી આખા ગેસ ભરેલા ટેંકરને ઉચકીને જહાજમાં મૂકવાની કોશિશ કરવામાં આવી રહી હતી, જ્યારે અચાનક દુર્ઘટના સર્જાતા તે ગેસ ભરેલું વાહન તૂટી પડે છે. આ પછી જહાજ સહિત આસપાસની જગ્યામાં ગેસ ફેલાઈ જાય છે.

ઘાતક દુર્ઘટના સર્જાઈ હોવાનું માલુમ પડતા ત્યાં કામ કરી રહેલા કામદારો અને વાહન લઈને ઉભેલા અને ડ્રાઈવર ભાગતા જોવા મળ્યા હતા. જોકે, જે લોકો આ ઘટના બાદ તેનાથી દુર થઈ શક્યા નહોતા તેવા ૧૩ લોકોના મોત થઈ ગયા છે, જ્યારે ૨૫૦ જેટલા લોકો ગેસ ગળતરના કારણે બીમાર પડી ગયા છે.જે ટ્રક અકસ્માતે ક્રેનમાંથી તૂટી પડ્યો તેમાં ક્લોરિન ભરેલો હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવી રહ્યું છે, આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. હવે આ દુર્ઘટના માટે કોણ જવાબદાર છે અને ઘાયલોને તાત્કાલિક સારવાર મળે તે માટેના જરુરી પગલા ભરવામાં આવી રહ્યા છે. આ સાથે કોઈ ઘટના સ્થળની નજીક ના જાય તે માટે આ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.

ઝેરી ગેસ લીક થવાની ઘટના પર સ્વાસ્થ્ય અધિકારી ડૉ જમાલ ઓબેદતે લોકોને ઘરની અંદર રહેવા માટે તથા દરવાજા અને બારીઓ બંધ રાખવા માટેની સલાહ આપી છે. આ દુર્ઘટના જ્યાં બની છે ત્યાંથી રહેણાક વિસ્તાર માત્ર ૨૫ કિલોમીટરના અંતરે આવેલો છે માટે સાવધાની રાખવી જરુરી છે.

(7:45 pm IST)