મુખ્ય સમાચાર
News of Monday, 28th June 2021

લગ્ન પહેલા દિકરીને બનાવો આત્મનિર્ભર

દિકરીને 'સેટલ' કરવાનો મતલબ તેના લગ્ન નથી, તેને પોતાના પગ પર ઉભી કરવો છે સામાજિક સંતુલન અને સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે આત્મનિર્ભરતા જરૂરી

આપણા સમાજમાં યુવાઓના મા બાપને અવાર નવાર એક સવાલ પુછાતો હોય છે, તમારા બાળકો સેટલ થઇ ગયા ? તમને લાગશે કે આ સવાલમાં સ્ત્રીવાદી નજરે જોવા જેવુ઼ શુ છે પણ ધ્યાન આપશો તો તેમાં સેટલ શબ્દનો આશય જેન્ડરથી નકકી થાય છે. છોકરો હોય તો સેટલ થવાનો અર્થ આર્થિક રીતે આત્મનિર્ભર થવુ અને છોકરી હોય તો લગ્ન થઇ જવા. આજના સમયમાં છોકરીઓના શિક્ષણ અને આત્મનિર્ભરતાના આંકડાઓ પહેલા કરતા સુધર્યા  છે અને સમજમાં સકારાત્મક ફેરફાર થયો છે એ સાચુ છે. શહેરી ઉચ્ચ વર્ગ અને મધ્યમવર્ગીય પરિવરોમાં ભલે થોડોક સુધારો થયો હોય પણ ગ્રામ્ય શહેરી નિમ્ન મધ્યમ વર્ગમાં હજુ પણ છોકરીઓના શિક્ષણ પર ખર્ચ કરવા કરતા તેના લગ્નના ખર્ચને ધ્યાનમાં રાખવામાં આવે છે. હજુ પણ છોકરાના શિક્ષણને વધારે મહત્વ અને સુવિધા અપાય છે. જો પરિવારની આર્થિક સ્થિતી સામાન્ય કરતા સારી હોય તો જ બંન્નેને એક સરખી સુવિધા મળે છે.

આનુ પરિણામ એ આવે છે કે મોટાભાગની છોકરીઓ કામ ચલાઉ બીએ પાસ કરીને કોઇ કમાઉ પતિનું ઘર સંભાળવા ચાલી જાય છે. આમ જોઇએ તો આ વ્યવસ્થામાં કોઇ ગરબડ નથી દેખાતી પણ વિચારો કે જયારે તે આત્મનિર્ભરતાથી વંચિત જીવન વ્યતિત કરતી હોય અને તેના પરથી કમાઉ છત્ર જતુ રહે તો શું થશે ? પરિવારના રોજીંદા ખર્ચ, બે ત્રણ નાનકડા બાળકો અને આવક જતી રહે ત્યારે શું થશે ?

કોરોના મહામારીમાં ઘણા પરિવારોની હાલત આવી થઇ છે. ફકત મહામારીમાં જ નહી પણ છુટાછેડા પછી પણ મહિલાની હાલત એવી થાય છે કે સ્ત્રી પાછી પોતાના માતા-પિતા અથવા ભાઇ વગેરે પર નિર્ભર થઇ જાય છે, એટલે આપણે હવે સેટલ થવાની વ્યાખ્યા બદલાવવાની જરૂર હોય એવું નથી લાગતુ ? આપણે સમાજમાં એ સમજ વિકસાવી પડશે કે સ્ત્રીને સારા ભવિષ્ય માટે સારા ઘરમાં, સારા ઘરમાં સારા પતિ સાથે પરણાવી દેવીએ પુરતુ નથી. પણ શિક્ષણ, રોજગાર અને ધંધામાં તેમના સમાન તકો ઉપલબ્ધ કરાવવી પણ જરૂરી છે. છોકરી પારકા ઘરે જ જવાની તો તેના શિક્ષણ અને આર્થિક નિર્ભરતાની શું જરૂર છે એ માનસિકતા બદલાવવી પડશે.

(3:33 pm IST)