મુખ્ય સમાચાર
News of Monday, 28th June 2021

આતંકીઓએ ઘરમાં ઘૂસીને પૂર્વ SPOને ગોળી મારી : પત્નીનું પણ મોત

જમ્મુમાં ડ્રોન હુમલાના ૨૪ કલાકની અંદર જ આતંકીઓએ કાશ્મીરના પુલવામામાં પૂર્વ સ્પેશિયલ પોલીસ ઓફિસર ફૈયાઝ અહેમદની ગોળી મારીને હત્યા કરી છે

શ્રીનગર,તા.૨૮:જમ્મુમાં ડ્રોન હુમલાના ૨૪ કલાકની અંદર જ આતંકીઓએ કાશ્મીરના પુલવામામાં પૂર્વ સ્પેશિયલ પોલીસ ઓફિસર ફૈયાઝ અહેમદની ગોળી મારીને હત્યા કરી છે. પુલવામામાં અવંતીપુરાના હરિપરિગામ નામના ગામમાં આતંકીઓ ફૈયાઝ અહેમદના ઘરમાં ઘૂસી ગયા અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું.

આતંકીઓના અંધાધૂંધ ફાયરિંગમાં ફૈયાઝનું ઘટનાસ્થળે જ મોત નિપજયું અને પત્ની તથા પુત્રી ગંભીર રીતે ઘાયલ થયા. પોલીસના જણાવ્યાં મુજબ શહીદ ફૈયાઝ અહેમદના પત્નીએ પણ સારવાર દરમિયાન હોસ્પિટલમાં દમ તોડ્યો.

અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓ રાતે લગભગ ૧૧ વાગે પુલવામાના અવંતીપુરા વિસ્તારમાં હરિપરિગામમાં પૂર્વ એસપીઓ ફૈયાઝ અહેમદના ઘરમાં ઘૂસી ગયા અને પરિવાર પર ગોળીઓ ચલાવી. પોલીસના જણાવ્યા મુજબ વિસ્તારને ઘેરી લેવાયો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.

આ બાજુ રવિવારે જમ્મુ કાશ્મીર પોલીસે લશ્કર એ તૈયબાના એક સમૂહ રેસિસ્ટન્સ ફોર્સ સાથે જોડાયેલા કથિત આતંકવાદીની ધરપકડ કરી છે. તેની પાસેથી ૫.૫ કિલોગ્રામ આઈઈડી જપ્ત કરાયુ છે. જમ્મુના વરિષ્ઠ પોલીસ અધિક્ષક ચંદન કોહલીએ ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ રામબનના જૈનહાલ-બનિહાલ રહીશ નદીમ ઉલ હક તરીકે કરી. એસએસપીએ જણાવ્યું કે હક પાકિસ્તાન અને દક્ષિણ કાશ્મીરના શોપિયામાં તેમના આકાઓના સંપર્કમાં હતો.

(10:09 am IST)