મુખ્ય સમાચાર
News of Saturday, 28th May 2022

યુપી સરકારનો મોટો નિર્ણય : સવારના 6 અને સાંજના 7 પછી મહિલાઓને ડ્યુટી માટે ફરજ નહીં પાડી શકાય

આ સમય દરમિયાનની ડ્યુટી માટે મહિલાઓની લેવી પડશે સંમતિ: આ નિયમ સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર લાગુ થશે.

લખનૌ : ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર મહિલા સશક્તિકરણ માટે પ્રયત્નશીલ છે. સરકારે પણ મહિલા કામદારોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એક નોટિફિકેશનમાં એવું જણાવાયું છે કે મહિલાઓની લેખિત સંમતિ લીધા વગર તેમને સવારે 6 વાગ્યા પહેલા અને સાંજે 7 વાગ્યા પછી કામ કરવાની ફરજ નહીં પાડી શકાય.  આ જાહેરાત બાદ હવે મહિલાઓની નાઇટ શિફ્ટ પૂરી થઇ ગઇ છે. આ નિયમ સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર લાગુ થશે.

યોગી સરકારે તેના આદેશમાં એવું પણ જણાવ્યું છે કે જો કોઈ સંસ્થા કે ઓફિસ મહિલાઓને નાઈટ શિફ્ટ માટે બોલાવે તો તેમને ભાડા અને ભોજન ખર્ચ પુરો પાડવો પડશે તેમજ તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવી પડશે. 

યુપી સરકાર દ્વારા જારી થયેલા આદેશમાં એવું પણ જણાવાયું છે કે  જો કોઇ કારણસર કોઇ મહિલા કર્મચારીની ડ્યૂટી સાંજે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા દરમિયાન લેવી જરુરી હોય તો તેના માટે લેખિત મંજૂરી લેવી પડશે. એટલે કે જો મહિલાને તેની સંમતિ વગર રાતના સમયે ફરજ પર મૂકવામાં આવશે તો સીધી કાર્યવાહી થશે. જો કોઈ મહિલા સાંજે 7.m પછી કામ કરવાની ના પાડે છે, તો કંપની અથવા સંસ્થા તેને નોકરીમાંથી કાઢી શકશે નહીં.

એડિશનલ ચીફ સેક્રેટરી લેબર સુરેશ ચંદ્રાએ જણાવ્યું હતું કે, લેખિત સંમતિ બાદ મહિલા સાંજે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કામ કરી શકે છે. તે સમય દરમિયાન, કંપની અથવા સંસ્થાએ ઘરેથી ઓફિસ અને ઓફિસથી ઘરે ફ્રી કેબની સુવિધા આપવી પડશે. જો કોઈ કંપની આવું નહીં કરે તો તેને શ્રમ કાયદાનું ઉલ્લંઘન માનવામાં આવશે. તેમાં દંડથી લઈને જેલ સુધીની સજા થઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ આદેશનો તમામ જિલ્લાઓમાં કડક અમલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

(10:54 pm IST)