મુખ્ય સમાચાર
News of Thursday, 28th May 2020

કોરોનાને 'લોક' કરવામાં દવાઓનું વેચાણ થયુ 'ડાઉન'

શરદી, તાવ, ઉધરસ, પેટના દુઃખાવાની દવાઓનું વેચાણ ૫૦ ટકા ઘટયું

નવી દિલ્હી, તા. ૨૮ :. લોકડાઉન દરમ્યાન ૨૪ કલાક દુકાન ખુલી રાખવાની છૂટ હોવા છતા દવાઓના ધંધાને બહુ ખરાબ અસર થઈ છે. જાણકારોનું માનવું છે કે લોકડાઉન દરમ્યાન ઘરે રહેવાના કારણે પ્રદુષણ, બહારનું ખાવાનુ વગેરેથી દૂર રહેવાના કારણે શરદી, ઉધરસ, તાવ, પેટની તકલીફ જેવા રોગોમાં ઘટાડો થયો છે. તેના લીધે સામાન્ય રોગોની દવાઓનું વેચાણ પણ ઘટયુ છે. સરકારી અને પ્રાઈવેટ ઓપીડી બંધ હતી તે પણ એક કારણ છે.

ઝારખંડમાં ૧૭ હજાર દુકાનદારોએ ગયા વર્ષે એપ્રિલ મહિનામાં લગભગ ૧૪૦ કરોડ રૂપિયાની દવાઓ વેચી હતી જે આ વર્ષના એપ્રિલમાં ૫૦ કરોડ માંડ માંડ પહોંચી હતી. મોટી વાત એ છે કે બ્રાન્ડેડ દવાઓનો ધંધો અમુક અંશે ચાલતો રહ્યો પણ જેનેરીક દવાઓ અને સંપર્ક આધારિત દવાઓના વેચાણમાં મોટો ઘટાડો થયો.

એક જથ્થાબંધ વેપારીએ જણાવ્યું કે તેમને ત્યાંથી દવાઓના વેચાણમાં ૪૦થી ૫૦ ટકાનો ઘટાડો થયો છે. રાજ્યમાં ડાયાબીટીસ, બ્લડપ્રેશરની દવાઓનું વેચાણ પણ એકદમ ઘટી ગયુ છે. લોકડાઉન લાગુ થવાની સાથે જ દર્દીઓએ પાંચ-છ મહિનાની દવાઓ સાથે લઈ લેતા માર્ચના છેલ્લા સપ્તાહમાં તેનુ વેચાણ વધ્યુ હતુ પણ એપ્રિલ-મેમાં તેનુ વેચાણ સાવ ઘટી ગયુ હતું.

(12:53 pm IST)