મુખ્ય સમાચાર
News of Monday, 28th May 2018

ધોરણ-૧૦ : જુલાઈ માસમાં પૂરક પરીક્ષા લેવાનું આયોજન

ગણિતનું પેપર ૮મી જુલાઈના દિવસે સવારે : સામાજિક વિજ્ઞાનની પરીક્ષા ૭મી જુલાઈના દિને રહેશે

ગાંધીનગર, તા.૨૮ : માર્ચ-૨૦૧૮માં લેવામાં આવેલી ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું. માર્ચ-૨૦૧૮ની પરીક્ષામાં સુધારણાને પાત્ર વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. પૂરક પરીક્ષા માટે દરેક જિલ્લા માટે પરીક્ષાનું એક જ કેન્દ્ર રાખવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ની પુરક પરીક્ષા જુલાઈ ૨૦૧૮માં લેવામાં આવશે. છઠ્ઠી જુલાઈના દિવસે ગુજરાતી પ્રથમ ભાષાનું પેપર લેવામાં આવશે જ્યારે એજ દિવસે વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર પણ લેવામાં આવશે. જો કે, સમય જુદા જુદા રાખવામાં આવ્યા છે. ગુજરાતીનું પેપર સવારે ૧૦.૦૦થી ૧.૨૦ વાગ્યા સુધી લેવામાં આવશે જ્યારે વિજ્ઞાન ટેકનોલોજીનું પેપર બપોરે ૩.૦૦ વાગ્યાથી ૬.૨૦ વાગ્યા સુધી લેવામાં આવશે. આવી જરીતે ૭મી જુલાઈના દિવસે સવારે સામાજિક વિજ્ઞાનનું અને બપોરે અંગ્રેજી દ્વિતીય ભાષાનું પેપર લેવામાં આવશે. ૮મી જુલાઈ રવિવારના દિવસે ગણિતનું પેપર સવારે લેવામાં આવશે જ્યારે બપોરે દ્વિતીય ભાષાનું પેપર લેવામાં આવશે. ૯મી જુલાઈના દિવસે ગુજરાતી દ્વિતીય ભાષાનું પેપર લેવામાં આવશે. તમામ વિષયોની પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે. પ્રથમ ભાગમાં પ્રશ્નપત્રનો ભાગ એ રહેશે જેમાં બહુવિકલ્પ પ્રકારના ૫૦ પ્રશ્નો રહેશે. આનો સમયગાળો ૬૦ મિનિટનો રહેશે. પૂરક પરીક્ષાના કેન્દ્રોની યાદી જાહેર કરવામાં આવી ચુકી છે. જે વિદ્યાર્થી પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થવા ઈચ્છુક નથી તે વિદ્યાર્થીઓના નામની સામે લાલ શાહીથી નોંધણી કરવાની રહેશે. પૂરક પરીક્ષાની ફી ડિમાન્ડનો ડ્રાફટ સચિવ શ્રી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરનો શાખાનો કાઢવાનો રહેશે. સુધારણાને અવકાશ હોય તેવા વિદ્યાર્થીઓની પ્રાયોગિક પૂરક પરીક્ષા જે તે શાળાએ જુલાઈ માસમાં લેવાની રહેશે. પ્રશ્નપત્ર પણ શાળા કક્ષાએથી જ કાઢવામાં આવશે. મેળવેલા ગુણ બોર્ડની કચેરીમાં સુપરત કરવા પડશે. તમામ વિષયોની પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે.

પૂરક પરીક્ષા કાર્યક્રમ...

ગાંધીનગર, તા.૨૮ : પુરક પરીક્ષા જુલાઈ ૨૦૧૮માં લેવામાં આવનાર છે. પુરક પરીક્ષા માટે કાર્યક્રમ આજે જાહેર કરવામાં આવ્યો હતો જે નીચે મુજબ છે.

*    છઠ્ઠી જુલાઈ સવારે ૧૦-૧.૨૦માં ગુજરાતી પ્રથમ ભાષા તથા અન્ય ભાષાની પરીક્ષા

*    છઠ્ઠી જુલાઈના દિવસે બપોરે ૩-૬.૨૦માં વિજ્ઞાન ટેકનોલોજી (૧૧)ની પરીક્ષા

*    ૭મી જુલાઈએ સવારે ૧૦-૧.૨૦માં સામાજિક વિજ્ઞાન (૧૦)ની પરીક્ષા

*    ૭મી જુલાઈએ બપોરે અંગ્રેજી દ્વિતીય ભાષાનું પેપર રહેશે

*    ૮મી જુલાઈ સવારે ૧૦.૦૦-૧.૨૦ વાગે ગણિત વિષયનું પેપર અને બપોરે ૩-૬.૨૦માં દ્વિતિય ભાષા (૧૩)

*    ૯મી જુલાઈ સવારે ૧૦-૧.૨૦માં ગુજરાતી દ્વિતીય ભાષાનું પેપર રહેશે

(7:26 pm IST)