મુખ્ય સમાચાર
News of Monday, 28th May 2018

શિમલાથી ચંદીગઢ વચ્‍ચે હેલી ટેક્સી શરૂ થશેઃ ૪ કલાકનું અંતર ૨૦ મિનિટમાં કપાશે

શિમલાઃ ચંદીગઢથી શિમલા જવા માટે ૪ કલાકનો સમય થાય છે, પરંતુ ટૂંક સમયમાં હેલી ટેક્સીની સુવિધા શરૂ થશે, જેથી આ અંતર ૨૦ મિનિટમાં કાપી શકાશે.

પવનહંસ કંપની અને હિમાચલ પ્રદેશ સરકાર મળીને શિમલાથી ચંદીગઢ વચ્ચે હેલી ટેક્સીની શરુઆત કરવા જઈ રહી છે. અત્યારે આ બન્ને શહેરો વચ્ચે કોઈ એર કનેક્ટિવિટી નથી. થોડાક વર્ષો પહેલા શિમલા અને ચંદીગઢ વચ્ચે આ પ્રકારની સેવા શરુ કરવામાં આવી હતી પરંતુ થોડા સમય પછી બંધ કરી દેવામાં આવી હતી.

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જય રામ ઠાકુર 4 જૂનના રોજ શિમલામાં બે શહેરો વચ્ચે હેલી ટેક્સી સેવાની શરુઆત કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શરુઆતમાં આ સેવા પ્રત્યેક સોમવાર અને શુક્રવારના રોજ ઉપલબ્ધ હશે. હેલિકોપ્ટર સવારે 8 વાગ્યે શિમલાના એરપોર્ટથી ઉડાન શરુ કરશે અને 8.20 વાગ્યે ચંદીગઢ એરપોર્ટ પર પહોંચી જશે. આ રીતે જે લોકો ચંદીગઢથી શિમલા જવા માંગે છે તેમના માટે હેલિકોપ્ટર 9 વાગ્યે ચંદીગઢથી ઉડાન ભરશે અને 9.20 વાગ્યે શિમલા પહોંચી જશે.

શિમલાથી ચંદીગઢ વચ્ચે શરુ થનારા આ હેલિકોપ્ટરમાં 20 સીટ હશે અને તેનું ભાડું 2999 રુપિયા હશે. પેસેન્જર્સની સુવિધા માટે શિમલાના ઝુબરહટ્ટી એરપોર્ટ પર હિમાચલ પ્રદેશ ટૂરિઝમની ડિલક્સ બસો ઉપલબ્ધ હશે.

ચંદીગઢથી શિમલા વચ્ચે અનેક જંગલ અને હરિયાળા પર્વતો જોવા મળશે, જેથી પેસેન્જર્સને મજા પડશે. આનાથી ટૂરિઝમને પ્રોત્સાહન મળે તેવી આશા છે.

(6:53 pm IST)