મુખ્ય સમાચાર
News of Monday, 28th May 2018

હવે બાબા રામદેવે ટેલિકોમ ક્ષેત્રે ઝંપલાવ્યુઃ સ્‍વદેશી સ્‍મૃદ્ધિ નામનું 4G સિમકાર્ડ લોન્ચ કર્યુંઃ હાલ પુરતુ પતંજલિના કર્મચારીઓ જ ઉપયોગ કરી શકશે

નવી દિલ્હીઃ રિટેલ બિઝનેસમાં ઝંપલાવ્યા બાદ બાબા રામદેવ હવે ટેલિકોમ ક્ષેત્રે ઝંપલાવ્યું છે. બાબા રામદેવે એક સિમકાર્ડ લોન્ચ કર્યું છે, જેનું નામ સ્વદેશી સમૃદ્ધિ સિમકાર્ડ રાખવામાં આવ્યું છે, આ સિમકાર્ડ પતંજલિ અને ભારત સંચાર નિગમ લિમિટેડએ સાથે મળી લોન્ચ કર્યું છે. જો કે આ સિમકાર્ડ મેળવવા તમારે થોડી રાહ જોવાની રહેશે કારણ કે શરૂઆતમાં આ સિમકાર્ડ માત્ર પતંજલિના કર્મચારીઓને જ મળશે.

કંપનીએ જાણકારી આપતા જણાવ્યું કે આ સિમમાં માત્ર 144 રૂપિયાનું રિચાર્જ કરવાથી યૂઝર્સને અનલિમિટેડ કોલિંગ સાથે 2 જીબી ડેટા અને 100 એસએમએસની સુવિધા મળશે, હાલ આ સિમકાર્ડ માત્ર પતંજલિના જ કર્મચારીઓ માટે લોન્ચ કરવામાં આવ્યું છે, જ્યારે તેને જાહેર જનતા માટે લોન્ચ કરાશે ત્યારે સિમકાર્ડની મદદથી પતંજલિની પ્રોડક્ટ્સ ખરીદવા પર 10 ટકા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. સૌથી વધારે આ સિમકાર્ડનો ઉપયોગ કરનારને 2.5 લાખ રૂપિયા સુધી મેડિકલ વીમો અને 5 લાખ રૂપિયા સુધીનો જીવન વીમો પણ આપશે.

સિમકાર્ડ લોન્ચિંગ કાર્યક્રમમાં બાબા રામદેવે જણાવ્યું કે BSNL એક સ્વદેશી નેટવર્ક છે અને પતંજલિ અને બીએસએનએલનું લક્ષ્ય દેશની સેવા કરવાનું છે. કંપનીનું લક્ષ્ય ચેરિટી કરવાનું છે, તેઓએ કહ્યું કે અમારું નેટવર્ક માત્ર સસ્તા ડેટા અને કોલ પેકેજ આપવાની સાથે લોકોને હેલ્થ અને લાઇફ ઇંશ્યોરન્સની સુવિધા પણ આપશે. સાથે જ સ્પષ્ટતા કરી કે આ વીમાનો લાભ માત્ર રોડ અકસ્માતમાં જ મળશે.

(6:41 pm IST)