મુખ્ય સમાચાર
News of Monday, 28th May 2018

આરટીઆઇ હેઠળ પત્નિને પોતાના પતિનો પગાર જાણવાનો હક્ક છે

પતિની પે-સ્લિપ પત્નિને આપવા હાઇકોર્ટનો અભૂતપૂર્વ ચુકાદો

નવી દિલ્હી તા. ર૮ :.. મધ્ય પ્રદેશ હાઇકોર્ટે પોતાના મહત્વના ચુકાદામાં કહયું છે કે પત્નીને એ જાણવાનો સંપૂર્ણ અધિકાર છે કે તેના પતિનો પગાર કેટલો છે. ન્યાયમૂર્તિ એસ. કે. શેઠ અને ન્યાયમૂર્તિ નંદિતા દૂબેની ર સભ્યોની બેન્ચે અરજીકર્તા સુનિતા જૈનને સુચનાના અધિકાર હેઠળ તેના પતિની પે-સ્લીપ આપવાના આદેશ આપ્યા છે.

સુનિતાના વકીલ કે. ડી. ધિલ્ડિયાલે જણાવ્યું કે ર સભ્યોની બેન્ચે મારી અરજીની સુનાવણી કરીને ૧પ મે એ તેઓના આદેશમાં કહ્યું કે અરજીકર્તા પત્ની છે અને તેને તે જાણવાનો અધિકાર છે કે તેના પતિનો પગાર કેટલો છે. પત્નીને ત્રીજો પક્ષ માનીને પતિની પગાર સંબંધિત જાણકારી આપવાનો ઇન્કાર કરી શકાય નહિ.

ધિલ્ડિયાલે  જણાવ્યુંકે મારા અરજીકર્તા  તરફથી કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યુ હતું કે સુનિતા અને પવન જૈન પતિ- પત્ની છે બંને ના વૈવાહિક સંબંધમાં તણાવ ચાલી રહ્યો છે. તેના પતિ બીએસએનએલમાં પ્રતિનિયુકિત પર ઉચ્ચ પદ પર છે. પતિ દ્વારા તેને ભરણ-પોષણ માટે માત્ર ૭ હજાર રૃપિયા આપવામાં આવે છે. જયારે પતિનો પગાર દર મહિને સવા બે લાખ રૃપિયા છે. ભરણ પોષણની રકમ વધારવાની માંગ કરીને જિલ્લા કોર્ટમાં પતિની પે-સ્લીપ મંગાવા માટે અરજી દાખલ કરી હતી જેને જિલ્લા કોર્ટે તથા લોક સુચના અધિકારીએ સુનાવણી બાદ ફગાવી દીધી હતી.

(3:55 pm IST)