મુખ્ય સમાચાર
News of Monday, 28th May 2018

અમેરીકાના મેરિલેન્ડમાં વાવાઝોડાં: પૂરના લીધે ઈમરજન્સીઃ રસ્તા ઉપર ૬ ફૂટ પાણી

અનેક બિલ્ડીંગો ધરાશાયીઃ વાહનો તણાયાઃ અનેક લોકોને સલામત સ્થળે ખસેડાયા : બાલ્તિમોરા શહેરમાં આજે સોમવારે જયારે મેરિલેન્ડ ગવર્નરે ગઈકાલે બપોર બાદ સ્ટેટ ઈમરજન્સી જાહેર કરી

ન્યુજર્સી,તા.૨૮: અમેરિકાના મેરિલેન્ડ સ્ટેટમાં રવિવારે ત્રાટકેલાં વાવાઝોડાં અને પૂરના કારણે રસ્તાઓ પર છ ફૂટ સુધી પાણી ફરી વળ્યા છે. મેરિલેન્ડ સિટી ગવર્મેન્ટ દ્વારા બહાર આવેલા ફૂટેજમાં પૂરના કારણે ઉંચી બિલ્ડિંગ્સ ધરાશાયી થઇ હતી, અસંખ્ય કાર પણ પાણીમાં વહી જતી જોવા મળે છે. અહીં ગવર્મેન્ટે ઇમરજન્સી જાહેર કરી દીધી છે. પૂરનું પાણી ઇલિકોટ સિટીથી ૧૩ માઇલ દૂર બાલ્તિમોર સુધી પહોંચી ગયું છે. નેશનલ વેધર સર્વિસે બપોર બાદ અહીં ફ્લડ ઇમજરન્સી જાહેર કરી છે. જયારે મેરિલેન્ડ ગવર્નરે સ્ટેટ ઇમરજન્સી જાહેર કરી છે.

ઇલિકોટ શહેર બાલ્તિમોરથી માત્ર ૧૩ માઇલ દૂર છે. આ શહેર પેટાપસ્કો નદીના કાંઠે આવેલું છે. ઇલિકોટ શહેર પૂર-સંવેદનશીલ વિસ્તાર તરીકે ઓળખાય છે. રવિવારે પેટાપસ્કો નદીનું લેવલ ૧૭.૮ ફૂટથી બપોર બાદ ૨૪.૧૩ ફૂટ સુધી વધી ગયું હતું. આ પહેલાં નદીનું સૌથી હાઇએસ્ટ વોટર લેવલ ૨૩.૬ ફૂટ હતું. નેશનલ વેધર સર્વિસે નોર્થ એન્ને એરુન્ડેલ કાઉન્ટી અને હોવાર્ડ કાઉન્ટીમાં આજે સોમવારે ઇમરજન્સી જાહેર કરી દીધી છે. એનડબલ્યુએસના જણાવ્યા અનુસાર, છેલ્લાં ૨૪ કલાકમાં આવેલા વરસાદ અને વાવાઝોડાંના કારણે નદીમાં પૂર આવ્યું હતું. બાલ્તિમોરા એરિયામાં પૂરના કારણે સૌથી વધારે નુકસાન થયું છે. અહીં મુખ્ય રસ્તાઓ પર ૬ ઇંચથી ૯ ઇંચ સુધી પાણી ભરાઇ ગયા છે. વેધર સર્વિસે જણાવ્યું કે, આગામી થોડાં કલાકોમાં વરસાદ આવશે તો આ સ્થિતિ વધુ ભયજનક બનવાની શકયતાઓ છે.

મેરિલેન્ડના રહીશોએ લીધેલા વીડિયો ફૂટેજમાં એક સાથે ડઝન જેટલી કાર વહી જતી જોવા મળી રહી છે. પૂરના પાણીમાં શહેરનું ઐતિહાસિક સ્ટોન કોટેજ પણ પાણી અને વાવાઝોડાંનાં કારણે ધરાશાયી થઇ ગયું હતું. શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર પૂરનું પાણી છ ફૂટ સુધી ફેલાઇ ગયું છે. અહીંની કેટલીક બિલ્ડિંગ્સના પહેલાં માળ સુધી પાણી પહોંચી જતાં કેટલાંક લોકોનું ઇમરજન્સી રેસ્કયુ કરવું પડ્યું હતું.

ઓથોરિટીએ લોકોને રવિવારે કોઇ સુરક્ષિત અને ઉંચા સ્થળ પર જવાની ચેતવણી આપી હતી. ઉપરાંત મોટરબાઇકર્સને પૂરમાં વાહનો નહીં ચલાવવાની તાકીદ કરી હતી. ઇમરજન્સી ઓફિશિયલ્સ પાસે હાલ કોઇ જાનહાનિ કે ઇજાના રિપોર્ટ્સ નથી. બે વર્ષ પહેલાં મેરિલેન્ડની પેટાપસ્કો નદીમાં ભયંકર પૂર આવ્યું હતું. જેમાં બે લોકોનાં મોત થયા હતા.

(3:53 pm IST)