મુખ્ય સમાચાર
News of Monday, 28th May 2018

..તો હું રાજીનામું આપી દઇશઃ કુમાર સ્‍વામી દિલ્‍હીમાં

હું કોંગ્રેસની કૃપા પર નિર્ભર છું, ખેડૂતોના દેવા માફી મારી પ્રાથમિકતા છે, એ ન થાય તો પદ છોડીશ : દિલ્‍હીમાં વડાપ્રધાન સાથે મુલાકાત : સોનિયા - રાહુલ વિદેશ પ્રવાસે : કર્ણાટકમાં ખાતા વહેચણી વિવાદ યથાવત : એક કોંગી ધારાસભ્‍યનું અકસ્‍માતમાં મૃત્‍યુ

નવી દિલ્‍હી તા. ૨૮ : કર્ણાટકના મુખ્‍યમંત્રી એચ ડી કુમારસ્‍વામીએ કહ્યું હતું કે, તેમની પાર્ટી જેડીએસએ વિધાનસભાની ચૂંટણી દરમિયાન લોકો પાસે પૂર્ણ જનાદેશ માંગ્‍યો હતો, જે ના મળ્‍યો. માટે આજે તેઓ કોંગ્રેસની કૃપા પર નિર્ભર છે.

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અને અન્‍ય કેન્‍દ્રીય મંત્રીઓ સાથેની મુલાકાત માટે દિલ્‍હી જતા પહેલા તેમણે ફરી એકવાર કહ્યું હતું કે, ખેડૂતોના દેવા માફ કરવા એ તેમની પહેલી પ્રાથમિકતા છે કારણ કે, તેમણે વચન આપ્‍યું હતું. જો હું આમ કરવામાં નિષ્‍ફળ રહીશ તો પદ પરથી રાજીનામું આપી દઈશ.

કર્ણાટકના મુખ્‍યમંત્રી કુમારસ્‍વામીએ રાજયમાં સ્‍પષ્ટ જનાદેશ મામલે સૌપ્રથમવાર બોલતા કહ્યું હતું કે, મારી પાર્ટીએ એકલા હાથે સરકાર નથી બનાવી. મેં લોકો પાસે સ્‍પષ્ટ જનાદેશ માંગ્‍યો હતો, કે મને તેમના સિવાય બીજા કોઈ ના દબાણમાં ન આવવા દે. પરંતુ તેમ ના થયું. આજે હું કોંગ્રેસની કૃપા પર છું. હું રાજયમાં સાડા છ કરોડ લોકોના દબાણમાં નથી તેમ કુમારસ્‍વામીએ કહ્યું હતું.

કુમારસ્‍વામીએ કહ્યું હતું કે, મારી પાર્ટીને પૂર્ણ બહુમત નથી મળ્‍યો, જેનો અર્થ એ થાય કે મતદાતાઓએ તેમને અને તેમની પાર્ટીને ફગાવી દીધા છે. રાજયના લોકોએ મને અને મારી પાર્ટી એમ બંનેને ફગાવી દીધા. મે તો જનતાને પૂર્ણ બહુમતનો આગ્રહ કર્યો હતો. મે ખેડુત નેતાઓના નિવેદનો પણ સાંભળ્‍યા અને એ પણ કે તેમણે મને કેટલું સમર્થન આપ્‍યું.

કુમારસ્‍વામીએ કહ્યું કે, નેતા તરીકે તેમની પણ કેટલીક મજબુરીઓ છે. તેમ છતાં તેઓ ખેડૂતોના દેવા માફ કરવાને લઈને તદ્દન સ્‍પષ્ટ છે. ભાજપ અને બીજા કેટલાક ખેડૂત નેતાઓની ટીકા કરતા તેમણે કહ્યું હતું કે, કોઈ પણ ખેડૂત સંગઠને તેમના પર દબાણ લાવવાની જરૂર નથી.

ખેડૂતો માટે તેઓ આગળ વધીને કામ કરવા તૈયાર છે. ખેડૂતોના દેવા માફી મુદ્દે મારા પર રાજીનામાની માંગણી કરવાની જરૂર નથી. ખેડૂતોની દેવા માફી એ મારી પહેલી પ્રાથમિકતા છે. શું એક સપ્તાહની રાહ ના જોઈ શકો? હજી સુધી તો કેબિનેટની રચના પણ નથી થઈ. જો આમ કરવામાં નિષ્‍ફળ રહીશ તો હું મુખ્‍યમંત્રી પદેથી રાજીનામું આપી દઈશ.

કોંગ્રેસ - જેડીએસ વિવાદ

કોંગ્રેસ અને જેડીએસ વચ્‍ચે વિવાદ જામ્‍યો છે બંને પક્ષો વચ્‍ચે ટિકિટ મામલે સમજૂતી થઇ શકી નથી એક સીટ પર થઇ રહેલ ચૂંટણી માં પણ કોંગ્રેસ અને જેડીએસ વચ્‍ચે લડાઈ છે બંને પક્ષો અલગ અલગ થઈને ચૂંટણી લડી રહ્યાં છે કાલે રાજ રાજેશ્વરી નગર વિધાનસભ સીટ માટે મતદાન થશે તેવામાં મુખ્‍યમંત્રી કુમારસ્‍વામી અને રાજયના કોંગ્રેસના મોટા નેતાઓ દિલ્‍હી પહોંચ્‍યા છે. બેઠક માટેના વિવાદ વચ્‍ચે હજુ કેબિનેટ વિસ્‍તાર અને પણ કોઈ સમજૂતી સધાઈ શકી નથી.

સોનિયા - રાહુલ વિદેશમાં

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સોનિયા ગાંધીની સારવાર માટે ભારતની બહાર જઈ રહ્યા છે. જતા જતા, તેણે ભારતીય જનતા પાર્ટીને એક ટ્‍વિટ દ્વારા મજાક કરવામાં આવી છે.

રાહુલ ગાંધીએ ટ્‍વિટ કર્યું અને કહ્યું, ‘હું સોનિયાની તબીબી તપાસ માટે થોડા દિવસો માટે ભારતની બહાર રહીશ. ભાજપના સોશિયલ મીડિયાની ટ્રોલ સેનાના મારા મિત્રો, તમે વધારે કામ ન કરતા, હું ટૂંક સમયમાં જ પાછો આવીશ!'

આ પહેલી વાર નથી કે સોનિયા ગાંધી સારવાર માટે વિદેશમાં જાય છે. છેલ્લા થોડા વર્ષોમાં, સોનિયા અનેક વખત સારવાર માટે વિદેશ ગઈ છે. જો કે, તેણે તેની બીમારી અંગે કોંગ્રેસ પક્ષ વતી કોઈ સત્તાવાર નિવેદન આપ્‍યું નથી. અત્‍યાર સુધી માત્ર અટકળો કરવામાં આવી છે.

જો કે, વિદેશની વારંવાર મુલાકાતને કારણે, રાહુલ ગાંધી હંમેશાં વિરોધની ટીકાના મધ્‍યે જ રહ્યા છે. અગાઉ, જયારે રાહુલ ગાંધી વિદેશી પ્રવાસે ગયા હતા, ત્‍યારે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્‍યો હતો. ભાજપે રાજકારણ સાથે તેની વિદેશી બાબતોને જોડીને સમયાંતરે કોંગ્રેસને લક્ષ્યાંકિત કર્યું હતું.

દરમિયાન કર્ણાટકના એક વરિષ્‍ઠ ધારાસભ્‍યનું અકસ્‍માતમાં મોત થયું છે.

(11:44 am IST)