મુખ્ય સમાચાર
News of Monday, 28th May 2018

‘સિઝેરીયન'થી ડિલીવરી કરાવવા મંજૂરી ફરજીયાત બનશે

‘નોર્મલ ડિલીવરી'ને પ્રોત્‍સાહન આપવા કેન્‍દ્રની સ્‍કીમઃ અમલી બને તો ભયંકર અંધાધૂંધી અને ભ્રષ્‍ટાચાર સર્જાવા ભય : કેન્‍દ્રની વિમા યોજના હેઠળ આવનારા કરોડો પરિવારને લાગુ પડશેઃ સિવીલ હોસ્‍પિ. સર્ટીફીકેટ આપે તો જ ખાનગી હોસ્‍પિટલ સીઝેરીયન કરી શકશે

નવી દિલ્‍હી તા. ૨૮ : કેન્‍દ્રના નેશનલ હેલ્‍થ પ્રોટેક્‍શન મિશન અંતર્ગત આવનારી ખાનગી હોસ્‍પિટલોએ હવેથી સિઝેરિયન પ્રક્રિયાથી ડિલિવરી (પ્રસૂતિ) કરાવવા માટે મંજૂરી લેવાની રહેશે. ગર્ભવતી મહિલાને સિઝેરીયન કરાવવું જરૂરી છે તેવું સરકારી હોસ્‍પિટલમાંથી પ્રમાણ મળે અને પછી તેને ખાનગી હોસ્‍પિટલમાં રિફર કરાય તો જ ખાનગી હોસ્‍પિટલ સિઝેરીયન ડિલીવરી કરી શકશે.

નેશનલ હેલ્‍થ પ્રોટેક્‍શન મિશન - આયુષ્‍યમાન ભારતના સીઈઓ ઈન્‍દુ ભૂષણે કહ્યું હતું કે તેનો ઉદ્દેશ સામાન્‍ય પ્રસૂતિને પ્રોત્‍સાહન આપવાનો છે. તેમણે કહ્યું હતું કે આ યોજના અંતર્ગત સામાન્‍ય પ્રસૂતિનો સમાવેશ નહીં કરાય. આ યોજનાનો ઉદ્દેશ કુટુંબ દીઠ પાંચ લાખ રૂપિયાનું કવરેજ આપવાનો છે, જેનાથી સમાજના નબળા અને ગરીબ વર્ગના ૧૦ કરોડથી વધુ પરિવારને લાભ મળશે.

ઈન્‍દુ ભૂષણે કહ્યું હતું કે યોજના અંતર્ગત આવનારી ખાનગી હોસ્‍પિટલોમાં સિઝેરિયન સેક્‍શન (સી-સેક્‍શન)ની મંજૂરી માત્ર ત્‍યારે જ મળશે કે જયારે ગર્ભવતી મહિલાને સરકારી હોસ્‍પિટલ તરફથી કારણ દર્શાવવાની સાથે રિફર કરવામાં આવી હોય. આ યોજના અંતર્ગત સી-સેક્‍શનનો ખર્ચ રૂા. ૯૦૦૦ નક્કી કરાયો છે.

(10:57 am IST)