મુખ્ય સમાચાર
News of Monday, 28th May 2018

ઓમાનમાં ભયાવહ વાવાઝોડું : ૩ ભારતીય સહિત ૧૪ મોત

ત્રણ વર્ષનો વરસાદ એક જ દિવસમાં ખાબક્‍યો : વિનાશકારી દ્રશ્‍યો

સાલાહા તા. ૨૮ : ઓમાન અને યમનના આઈલેન્‍ડ સોકોત્રા ખાતે ૧૭૦ કિલોમીટ પ્રતિ કલાકની ઝડપે ત્રાટકેલા વાવાઝોડાં ‘મેકુનુ'ને કારણે ત્રણ ભારતીયો સહિત ૧૪ લોકોનાં મોત થયા છે અને હજી ૪૦ લોકો લાપતા છે, જેમાં ભારતીયો પણ છે. ઓમાનમાં અનેક ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ વસેલા છે અને ત્‍યાંના સમુદ્રમાં માછીમારી કરનારા પણ અનેક ગુજરાતીઓ છે, જેને કારણે ગુજરાતમાં પણ ચિંતા પ્રવર્તી રહી છે. કેન્‍દ્ર સરકારે તેમને મદદ કરવા માટે તાકીદે નૌકાદળના બે જહાજ રવાના કરી દીધા છે. .

મસ્‍કત ખાતે ભારતીય દૂતાવાસે તેના સત્તાવાર ફેસબુક પેજ પર એક નિવેદન કર્યું છે કે ભારતીય નૌકાદળના બે જહાજ-આઈએનએસ દિપક અને આઈએનએસ કોચી-મુંબઈથી શનિવારે જ રવાના કરી દેવાયા હતા જે ત્‍યાં પહોંચી ગયા છે. અનાજ સહિત માનવીય જરૂરિયાતની વસ્‍તુઓ તથા હેલિકોપ્‍ટરથી સજ્જ આ જહાજ ત્‍યાં પહોંચી ગયા છે. રાહત અને બચાવ કામગીરીમાં તે લાગી જશે. ઓમાનની સેનાને પણ તેની જાણ કરી દેવાઈ છે અને તેના નાગરિકોની મદદ માટે પણ તે જરૂર પડશે તો કામ કરશે.

વાવાઝોડું ‘મેકુનુ' વધુ તીવ્ર બનીને કેટેગરી-૧માંથી કેટેગરી-૨માં પરિવર્તિત થયા બાદ તે ઓમાનના ધોફર અને અલ-વુસ્‍તા પ્રાંતમાં શનિવારે ત્રાટક્‍યું હતું. ૧૭૦ કિલોમીટ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને ભારે વરસાદ પડ્‍યો હતો, જેમાં ખાસ્‍સું નુકસાન થયું હતું. ત્રણ વર્ષનો વરસાદ એક જ દિવસમાં ખાબકતા ચારે તરફ જળબંબાકારમાં કેટલાક લોકો તણાઈ ગયા હોવાના પણ અહેવાલ છે.(

(10:23 am IST)