મુખ્ય સમાચાર
News of Monday, 28th May 2018

શેરડી ખેડૂત મુદ્દે રાહુલ અને અખિલેશે તીવ્ર પ્રહારો કર્યા

ખેડૂતો તરફ મોદીનું ધ્યાન જતું નથી : રાહુલ ગાંધી : ખેડૂતોની કેટલી રકમ બાકી છે તે બધા જાણે છે : સુપ્રીમના આદેશ બાદ મોદી ઉદ્ઘાટન માટે પહોંચી ગયા : અખિલેશ

નવી દિલ્હી,તા. ૨૭ : ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાગપતમાં જન સભા દરમિયાન વિપક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે પણ તરત જ પ્રતિક્રિયા આપી હતી. બંનેએ શેરડીના ખેડૂતોનો ઉલ્લેખ કરીને મોદી ઉપર પ્રહારો કર્યા હતા. મોદીએ આને યુપીએ સમયની યોજના ગણાવીને કહ્યું હતું કે, યુપીના શેરડી ખેડૂતો વિચારી રહ્યા છે કે, યુપીએ સમયગાળાની યોજનાની ક્રેડિટ લેવા માટે વડાપ્રધાન રોડ શો કરીને તેમના ખેતરોમાંથી પસાર થઇને નિકળી જાય છે પરંતુ તેમના તરફ તેમનું ધ્યાન જતું નથી. ખેડૂતોના હક માટે કોઇ વાત થઇ રહી નથી. બીજી બાજુ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું હતું કે, બાગપત, મેરઠ, સામલી, મુઝફ્ફરનગર અને બિજનૌરના લોકો જાણે છે કે, કેટલાક ખેડૂતોની બાકી રકમ બાકી છે. રોડ શોથી શેરડી માટે જે રકમ બાકી છે તે રકમ મળનાર નથી. સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો ત્યારે ઇસ્ટર્ન પેરિફેરલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. બાગપતના વિસ્તારોમાં શેરડીના ખેડૂતોની બાકી રકમનો મુદ્દો બનેલો છે. અહીં પેટાચૂંટણીમાં પણ તમામ રાજકીય પક્ષો આ મુદ્દાને ઉઠાવનાર છે. રેલી દરમિયાન મોદીએ શેરડીના ખેડૂતો પ્રત્યે સંવેદનશીલતા દાખવીને ખાતરી આપી હતી કે, ખાંડ મિલો મારફતે ખેડૂતોને ફાયદો થશે. આ પહેલા રેલીમાં યોગી આદિત્યનાથે શેરડીના ખેડૂતોનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, યુપી સરકારે રમાના ખાંડ મિલો માટે ૪૦૦ કરોડ રૂપિયા આપ્યા છે. યોગીએ કહ્યું હતું કે, તેમની સરકારે ૨૧૦૦૦ કરોડ રૂપિયાની ચુકવણી શેરડીના ખેડૂતોને કરી દીધી છે. મોદીની ઉપસ્થિતિમાં યોગી આદિત્યનાથે ખેડૂતોને ખાતરી આપતા કહ્યું હતું કે, તેમની સમસ્યા તરફ ગંભીરરીતે ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

(12:00 am IST)