મુખ્ય સમાચાર
News of Monday, 28th May 2018

કોચી એરપોર્ટ પર 227 મુસાફરો સાથેનું વિમાન વીજ થાંભલા સાથે અથડાયું;યાત્રીઓ સલામત

શ્રીલંકન એરલાઇન્સનું વિમાન યુએલ-168 ટેક ઓફ વેળાએ ટકરાયું :ટાયરને નુકશાન

કેરળના કોચી એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના ટળીહતી શ્રીલંકન એરલાઇન્સનું એક વિમાન ટેકઓફ દરમિયાન વીજળીના થાંભલા સાથે અથડાયું હતું. વિમાનમાં કુલ 227 મુસાફરો સવાર હતા. વિમાનમાં સવાર તમામ મુસાફરો સલામત છે.

   શ્રીલંકન એરલાઇન્સનું વિમાન યુએલ-168 કોચી એરપોર્ટ પરથી શ્રીલંકા માટે ટેકઓફ થઈ રહ્યું હતું.રનવે પર ટેકઓફ દરમિયાન વિમાનનું એક ટાયર ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. તેનાથી વિમાને કાબૂ ગુમાવતાં તે વીજળીના થાંભળા સાથે અથડાઈ ગયું હતું.

  આ ઘટના બાદ એરપોર્ટ પર હાજર સ્ટાફ તુરંત દોડી આવ્યો હતો. ઘટનાની તપાસ માટે એરપોર્ટ પરથી ટેકઓફ થોડા સમય માટે અટકાવી દેવાયું હતું. તપાસ પૂરી થયા બાદ ફરીથી ફ્લાઇટ ઑપરેશન શરૂ કરી દેવાયું હતું. શ્રીલંકા માટેની આ ફ્લાઇટ બાદમાં રદ કરી દેવાઈ હતી.

  કોઈ પણ વિમાનની ટેક-ઓફ વખતે પહેલા સુરક્ષાની તપાસની સાથે સાથે તેના અલગ અલગ પાર્ટ્સની પણ તપાસમાં કરવામાં આવે છે. તેમ છતાં વિમાનનું ટાયર ક્ષતિગ્રસ્ત થયું હતું. ફ્લાઇટ રદ થવાને કારણે 227 મુસાફરોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

  થોડા દિવસો પહેલાં બાંગ્લાદેશ એરપોર્ટ પર પણ આવી ઘટના બની હતી. તેમાં પણ સુરક્ષા સંબંધિત ચૂક બહાર આવી હતી. ઇન્ડિગો અને એર ડેક્કનનાં વિમાન હવામાં એકબીજા સાથે અથડાતાં અથડાતાં રહી ગયાં હતાં. સમયસર બંને વિમાનોના પાઇલટને વિમાન આમનેસામને હોવાની જાણકારી મળી હતી, જેને લીધે દુર્ઘટના ટાળી શકાઈ હતી.

 

(12:00 am IST)