મુખ્ય સમાચાર
News of Wednesday, 28th April 2021

મિત્રને બચવવા ૧૪૦૦ કિમી દૂર ઓક્સિજન પહોચાડ્યો

કોરોનામાં પરિજનોને બચાવવા કોઈ પણ હદે જતા સ્વજનો : મિત્રએ સિલિન્ડરની વ્યવસ્થા કરી કારમાં નોયડા પહોંચાડ્યો

નવી દિલ્હી, તા. ૨૮ : કોરોનાકાળમાં પોતાના નિકટના લોકો અને સ્વજનોનો જીવ બચાવવા માટે લોકો કોઈ પણ હદ સુધી જઈ રહ્યા છે.લોકો રેમડેસિવિર અને ઓક્સિજન સિલિન્ડર માટે કાળાબજારમાં હજારો રુપિયા પણ ચુકવી રહ્યા છે.

આવા સંજોગોમાં ઝારખંડના બોકારોમાં રહેતા એક યુવાને નોયડામાં રહેતા પોતાના મિત્રનો જીવ બચાવવા માટે ઓક્સિજન સિલિન્ડર સાથે કારમાં ૧૪૦૦ કિલોમીટરની મુસાફરી કરી હતી.જેને પણ આ વાતની ખબર પડી રહી છે તે આ બંને દોસ્તોની મિત્રતાના વખાણ કરી રહ્યુ છે.

બોકારોમાં રહેતા દેવેન્દ્રને ખબર પડી હતી કે, નોયડામાં રહેતા પોતાના મિત્ર અને આઈટી કંપનીમાં કામ કરતા રંજન અગ્રવાલને કોરોના થયો છે.તે હોસ્પિટલમાં એડમિટ છે પણ ઓક્સિજનની વ્યવસ્થા થઈ શકી નથી.આ જાણકારી મળ્યા બાદ દેવેન્દ્રે રવિવારે બપોરે બોકારોમાંથી ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરીને કારમાં નોયડા જવા માટે નિકળી પડ્યા હતા.

જોકે બોકારોમાં પણ સિલિન્ડરની વ્યવસ્થા કરવી સહેલી નહોતી.આમ છતા ગમે તેમ કરીને તેમણે ખાલી સિલિન્ડર મેળવીને ઓક્સિજન ભરાવ્યો હતો.

દેવેન્દ્રનુ કહેવુ છે કે, બિહાર અને યુપી બોર્ડર પર મને પોલીસે રોક્યો હતો પણ જ્યારે મેં તેમને નોયડા જવાનુ કારણ કહ્યુ હતુ ત્યારે પોલીસે પણ મને જવા દીધો હતો.હવે મારા દોસ્તની હાલત સારી છે.હું અહીંયા જ રહેવાનો છું , જ્યાં સુધી મારો મિત્ર સંપૂર્ણ સાજો ના થઈ જાય.

(7:59 pm IST)