મુખ્ય સમાચાર
News of Wednesday, 28th April 2021

ભારતના પરમાણુ કાર્યક્રમના જનક હોમી જહાંગીર ભાભાના જીવન ઉપર અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઍન્ટરટેઇનમેન્ટ ફિલ્મ બનાવશે

અમદાવાદઃ ભારતની પહેલી મહિલા પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીના શપથ ગ્રહણના જ દિવસે દેશના પરમાણુ કાર્યક્રમના જનક હોમી જહાંગીર ભાભાનું મોત થયું હતું. આ ઘટનાનો અત્યારે ઉલ્લેખ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે, તેમના મોતની કહાની પરથી પડદો ઉઠવાની તૈયારી છે. ફોકસ ફરી એકવાર આ દુર્ઘટનાના ષડયંત્ર પરથી પડદો ઉઠાવવાની વાત પર કરવામાં આવી રહ્યો છે.

ભારતના જાણીતા અંતરિક્ષ વૈજ્ઞાનિક નંબી નારાયણનને વિદેશી તાકાતોના ઈશારા પર એક જાસૂસી કાંડમાં ફસાવવાની ઘટના પર હાલમાં જ અભિનેતા, નિર્દેશક આર માધવે ફિલ્મ રોકેટ્રીનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મના ટ્રેલરની સફળતાએ તમામ ફિલ્મોના બંધ પડેલા પટારાને ફરીથી ખોલ્યા છે.

ભારતને અંતરિક્ષના બજારમાં સૌથી આગળ રાખવાના પ્રયાસોમાં જોડાયેલા વૈજ્ઞાનિક નંબી નારાયણનની સાથે કેટલીક વિદેશી તાકાતોના ઈશારા પર જે થયું, તેના પર આર માધવને એક ખૂબ જ ઉમદા સસ્પેન્સ ટ્રેલર ફિલ્મ રૉકેટ્રી બનાવી છે. આ ફિલ્મના ટ્રેલરના ખુદ દેશના પ્રધાનમંત્રી મોદી વખાણ કરી ચુક્યા છે અને આખા દેશના લગભગ તમામ જાણીતા લોકોએ માધવનને આ હિંમત માટે દાદ આપી છે. ફિલ્મ પુરી થઈ ચુકી છે અને આશા છે કે કોરોનાની બીજી લહેરનો પ્રકોપ શાંત થયા બાદ જલ્દી જ તેને સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.

માધવનની ફિલ્મના ટ્રેલરને દેશ અને દુનિયામાં મળેલા જબરદસ્ત પ્રતિસાદે હવે એ તમામ ફિલ્મ નિર્માતાઓના ઉત્સાહમાં વધારો કર્યો છે જેઓ લાંબા સમયથી વૈજ્ઞાનિકો સાથે જોડાયેલી વાતને મોટા પડદા પર લાવવા માંગતા હતા. હાલમાં જ એક આવી સીરિઝ 'રૉકેટ બ્વૉયઝ' વિશે એક અખબારમાં માહિતી આપવામાં આવી હતી. આ સીરિઝમાં હોમી જહાંગીર ભાભાની સિવાય એ પી જે અબ્દુલ કલામ અને વિક્રમ સારાભાઈની સિદ્ધીઓની કહાનીઓ હશે.

હવે જે ફિલ્મ હોમી જહાંગીર ભાભા પર બનવાની છે, તે પૂર્ણ રીતે તેમના હવાઈ દુર્ઘટનામાં થયેલા મોત વિશે હશે. ફિલ્મમાં એ વાત પર ફોકસ રહેશે કે આ હવાઈ દુર્ઘટના ખરેખર દુર્ઘટના જ હતી કે તેમાં કોઈ પ્રકારનું ષડયંત્ર પણ હતું. 24 જાન્યુઆરી 1966માં ભાભાનું વિમાન દુર્ઘટનાને મળ્યું અને તેના પહેલા દેશના પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીનું એ જ મહિનાની 11મી તારીખે સંદિગ્ધ સ્થિતિમાં મોત થયું હતું.

આ મામલે સંપર્ક કરવામાં આવતા રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટના ગ્રુપ સીઈઓ શિબાશીષ સરકારે તો કાંઈ ન કહ્યું  પરંતુ તેમના કાર્યાલયના સૂત્રો જણાવે છે કે, ભાભા પરની આ પ્રસ્તાવિત ફિલ્મમાં ટાઈટલ રોલ માટે અભિનેતા સૈફ અલી ખાન સાથે કેટલીક ચર્ચા થઈ ચુકી છે. ફિલ્મની પટકથા નિર્દેશક વિક્રમજીત સિંહે રિલાયન્સ સુધી પહોંચાડી છે. તેઓ છ વર્ષ પહેલા રણબીર કપૂરને લઈને ફિલ્મ રૉય નિર્દેશિત કરી ચુક્યા છે. રિલાયન્સ જલ્દી આ ફિલ્મ મામલે આધિકારીક જાહેરાત કરી શકે છે.

(4:57 pm IST)