મુખ્ય સમાચાર
News of Wednesday, 28th April 2021

લોકડાઉન પછી ઘરેથી પાછા ફરેલા પ્રવાસી મજૂરોએ ફસાયેલા મજૂરો કરતા કરી પાંચ ગણી વધારે કમાણી : એક અભ્યાસ

નવી દિલ્હી તા. ૨૮ : કોરોનાની બીજી લહેરમાં દેશ વ્યાપી લોકડાઉનના ભય વચ્ચે વિભીન્ન મોટા શહેરોમાંથી પ્રવાસી મજૂરોનું પલાયન ચાલુ છે. ત્યારે જ યેલ યુનિવર્સિટીના એક સર્વેમાં એક માહિતી બહાર આવી છે. આ વર્ષે અનુસાર, પહેલા કોરોના લોકડાઉન પછી મોટા શહેરોમાં પાછા ફરેલા શ્રમિકોએ લોકડાઉનમાં ફસાઇ ગયેલા પ્રવાસી મજૂરીની સરખામણીમાં લગભગ પાંચ ગણી વધારે કમાણી કરી હતી. ગયા વર્ષના લોકડાઉનમાં મહિલા મજૂરો પુરૂષો કરતા વધારે પ્રભાવિત થઇ હતી. યેલ યુનિવર્સિટીએ એપ્રિલ ૨૦૨૦થી જાન્યુઆરી ૨૦૨૧ વચ્ચે ઉત્તર અને મધ્ય ભારતમાં ૫૦૦૦ પ્રવાસી મજૂરો પર આ સર્વે કર્યો હતો.

સર્વેના પરિણામો આજે ઓનલાઇન પ્લેટફોર્મ પર જાહેર થશે. તેના અનુસાર ગયા વર્ષે લોકડાઉન પછી ફકત ૪૫ ટકા મહિલા પ્રવાસી શ્રમિકો પોતાના શહેરી કાર્યસ્થળોએ પાછી આવી છે. તેમાંથી ૪૦ ટકાએ એક સપ્તાહમાં કોઇ કમાણી નહોતી કરી.

સર્વેથી જાણવા મળે છે કે કામ માટે શહેરી વિસ્તારોમાં પાછા ફરનારા પુરૂષ પ્રવાસી મજૂર પોતાની મહામારી પહેલાની આવકના ૯૦ ટકા સુધી કમાવામાં સફળ રહ્યા પણ મહિલાઓ મહામારી પહેલાથી પોતાની આવકના ૭૨ ટકા જ કમાઇ શકી હતી.

સર્વેમાં એ પણ જાણવા મળ્યું કે, ઘેર રહેનારા પુરૂષ પ્રવાસી શ્રમિકો પોતાની મહામારી પહેલાની આવકના ફકત ૨૩ ટકા અને મહિલા પ્રવાસી શ્રમિકો ફકત ૧૩ ટકા કમાઇ શકયા.

(3:35 pm IST)