મુખ્ય સમાચાર
News of Wednesday, 28th April 2021

દિલ્‍હીમાં હવે ઉપરાજયપાલની સરકાર! કેજરીવાલ હવે માત્ર કઠપૂતળી

કોરોનાની વણસેલી પરિસ્‍થિતિ વચ્‍ચે કેન્‍દ્ર સરકારે લાગુ કર્યો નવો કાનુનઃ નોટીફીકેશન બહાર પાડયું : મોદી સરકારે દિલ્‍હીના ઉપરાજયપાલની તાકાત વધારીઃ હવે સરકારનો મતલબ ઉપરાજયપાલઃ કેજરીવાલ ઉપરાજયપાલની મંજુરી વગર કોઇ કાર્ય કરી નહિ શકે

નવી દિલ્‍હી, તા., ૨૮: કેન્‍દ્રની મોદી સરકારે દિલ્‍હીના ઉપરાજયપાલની તાકાત વધારી દીધી છે. હવે દિલ્‍હીમાં સરકારનો મતલબ ઉપરાજયપાલ થશે એટલે કે ઉપરાજયપાલની મંજુરી વગર કોઇ પગલું સરકાર ભરી નહી શકે.કેન્‍દ્ર સરકારે રાષ્‍ટ્રપતિ દ્વારા રાજધાની રાજયક્ષેત્ર શાસન (સંશોધન)  કાનુન ર૦ર૧ એટલે કે જીએનસીટી એકટને મંજુરી અપાયા બાદ તેને લઇને નોટીફીકેશન બહાર પાડયું છે. આ નોટીફીકેશન અનુસાર દિલ્‍હીમાં જીએમસીટી એકટ અમલી બની ગયો છે. હવે દિલ્‍હીમાં સરકારનો અર્થ ઉપરાજયપાલ એવો થશે.

નોટીફીકેશન અનુસાર દિલ્‍હી વિધાનસભામાં પસાર વિધાનના પરીપેક્ષમાં  સરકારનો આશય રાષ્‍ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્‍હીમાં ઉપરાજયપાલથી થશે અને શહેરની સરકારે કોઇ પણ કાર્યકારી પગલું લેતા પહેલા ઉપરાજયપાલની સલાહ લેવી પડશે. લોકસભામાં આ ખરડાને રર મી માર્ચે અને રાજયસભામાં ર૪ મી માર્ચે પસાર કરવામાં આવ્‍યો હતો.

એવું માનવામાં આવે છેકે આ કાનુનથી કેજરીવાલ સરકારનું ટેન્‍શન વધી જશે અને તેનો ઇશારો તેમણે ખુદ કર્યો હતો. તેમણે આ ખરડાને લોકતંત્ર માટે દુઃખદ ગણાવ્‍યો હતો.

હવે સરકારે કોઇ પણ નિર્ણય લેતા પહેલા ઉપરાજયપાલને તેની માહીતી આપવી પડશે.જો કોઇ વિવાદ થશે તો રાષ્‍ટ્રપતિ પાસે પ્રસ્‍તાવ જશે.

(10:55 am IST)