મુખ્ય સમાચાર
News of Wednesday, 28th April 2021

દેશના ૧૫૦ જિલ્લાઓમાં તોળાતુ લોકડાઉન

કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે કરી ભલામણ : કોરોના ઉપર લગામ માટે જરૂરી છે લોકડાઉન

નવી દિલ્હી તા. ૨૮ : દેશમાં દરરોજ કોરોના કેસ અને મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.  જેના કારણે અનેક જિલ્લાઓ પર લોકડાઉનનું સંકટ તોળાઈ રહ્યું છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનું માનવું છે કે જો જલ્દી આ જિલ્લાઓમાં લોકડાઉન નહીં લગાવવામાં આવે તો કેસોનું ભારણ હજું વધી શકે છે. આ સંદર્ભમાં મંત્રાલયએ એક પ્રસ્તાવ મોકલીને કહ્યુ છે કે જે ૧૫૦ જિલ્લામાં ૧૫ ટકાથી વધારે પોઝિટિવિટી રેટ છે. ત્યાં જરૂરી સેવાઓમાં છુટ આપીને લોકડાઉન લગાવવું પડશે. નહીંતર સ્વાસ્થ્ય પ્રણાલી પર બહું વધારે ભારણ વધી જશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે એક હાઈલેવલ મીટિંગમાં આની તરફેણ કરી હતી, પરંતુ રાજય સરકારોએ સવાહ આપ્યા બાદ કેન્દ્ર અંતિમ નિર્ણય લેશે. આ નિર્ણયને હજું વધારે સંશોધિત કરી શકાય છે. જો કે મંત્રાલયનું માનવું છે કે હજું કેસ લોડ પર પોઝિટિવિટી રેટને નિયંત્રિક કરવુ જરુરી છે.

એક અંગ્રેજી અખબારના જણાવ્યાનુસાર એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે અમારા વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે બહું વધારે પોઝિટિવિટી રેટ વાળા જિલ્લાઓમાં આવાનારા કેટલાક અઠવાડિયામાં કડક લોકડાઉન લગાવવુ પડશે. જેથી સંક્રમણની ચેન તોડી શકાય. જો કે અંતિમ નિર્ણય રાજ્યો સાથે ચર્ચા કર્યા બાદ લેવાશે.

સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ કેટલાક રાજયોમાં મહામારીની બીજી લહેર દરમિયાન વધતા પોઝિટિવિટી રેટ પર ચિંતા વ્યકત કરી. જેના પરિણામ સ્વરુપ સ્વાસ્થ્ય પ્રણાલી પર ભારણ વધશે. કેન્દ્રએ પહેલા જ રાજયોને બિનજરુરી અવરજવરને મર્યાદિત કરવાની સલાહ આપી છે.

ત્યારે દેશમાં સતત એક અઠવાડિયામાં ૩ લાખથી વધારે કોરોનાના નવા મામલા સામે આવ્યા છે. વર્લ્ડોમીટરના જણાવ્યાનુસાર દેશમાં મંગળવારે ૩, ૬૨, ૯૦૨ મામલા સામે આવ્યા છે. ત્યારે ૩૨૮૫ લોકોના મોત થયા છે.  માર્ચ બાદથી એકિટવ કેસ લોડ સતત વધી રહ્યા છે અને સોમવારે ૨૮.૮ લાખ નવા મામલા સુધી પહોંચી ગયા હતા. આઠ રાજયો  મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનમાં કુલ કેસ લોડના ૬૯ ટકા મામલા છે. દરેક રાજયોમાં  ૧ લાખથી વધારે એકિટવ કેસ છે.

(10:31 am IST)