મુખ્ય સમાચાર
News of Wednesday, 28th April 2021

હે ભગવાન...એક કે બે નહીં દિલ્હીમાં સ્મશાનમાં ૨૦ કલાકનું વેઇટિંગઃ અંતિમસંસ્કાર માટે લાશોની લાઈનો

લોકો અંતિમ સંસ્કાર કરવા કે હિંદુ ધર્મ અનુસાર અસ્થિ વિસર્જન કરવા માટે અસ્થિઓ લેવા માટે પણ રોકાતા નથી

નવી દિલ્હી, તા.૨૮: રાજધાની દિલ્હીમાં કોરોનાની સ્થિતી એ હદે વણસી છે કે સેંકડો લોકોનાં મોત થઇ રહ્યા છે, કયાંક ઓકિસજનની તો કયાંક જીવન રક્ષક દવાઓની અછતનાં કારણે મોત થઇ રહ્યા છે. મોતની સાથે મૃતદેહનાં અગ્નિ સંસ્કાર માટે પણ ૨૦ કલાક સુધી રાહ જોવી પડી રહી છે. દિલ્હીનાં સ્મશાન દ્યાટની આસપાસ મૃતદેહ લાવારીસ હાલતમાં પડેલા જોવા મળ્યા છે. અંતિમ સંસ્કાર માટે આવેલા પરિવારજનોનાં વાહનોની લાંબી લાઇનો આ બાબતનો પુરાવો આપે છે, કે પરિસ્થિતી કેટલી ગંભીર છે. આ દ્રશ્યો હૃદય કંપાવી દે તેવા છે.

કેટલાક પરિવારને અગ્નિ સંસ્કાર માટે જગ્યા ન મળતા મૃતદેહને ભાડાનાં ફ્રિજમાં રાખવાની ફરજ પડી રહી છે. પરિવારજનો માટે તેમનાં આત્મિયજનનો અગ્નિ સંસ્કાર કરવામાં પડી રહેલી મુશ્કેલી પિડાજનક બની છે.

કોરોનાની બીજી લહેરે તમામ સરકારી દાવાઓની પોલ ખોલી દીધી છે ત્યારે આ આફતના સમયે લોકો લાગણી વિહોણા થઈ રહ્યાં હોવાનું સામે આવી રહ્યું છે. કાનપુરના ભૈરવ દ્યાટ સ્થિત ઈલેકિટ્રક સ્મશાન ગૃહમાં રોજ ૬૦ થી ૭૦ કોરોના દર્દીઓના મૃતદેહ આવી રહ્યાં છે. જે સરકારી દાવાઓ કરતા દ્યણા વધારે છે. બીજી તરફ કોરોનાથી મૃત્યુ પામનારાઓના પરિવારજનો સાથે જોવા મળતા નથી. સ્થિતિ એ છે કે, લોકો ઈલેકિટ્રક સ્મશાન ગૃહ બહાર મૃતદેહોને તરછોડી જતા રહે છે. લોકો અંતિમ સંસ્કાર કરવા કે હિંદુ ધર્મ અનુસાર અસ્થિ વિસર્જન કરવા માટે અસ્થિઓ લેવા માટે પણ રોકાતા નથી.

(10:25 am IST)