મુખ્ય સમાચાર
News of Saturday, 28th March 2020

શું શેરબજાર બંધ રહી ન શકે ? ચાલુ રહે તો ઘરે બેસીને કામ થઈ ન શકે ? ઓફિસોની ટોળાશાહી બંધ કરવી જરૂરી

રાજકોટઃ હાલ દેશભરમાં લોકડાઉન ચાલુ છે. ધંધા-ઉદ્યોગો, દુકાનો, બજારો, શાળાઓ, કોલેજો વગેરે બંધ છે. બેન્કોમાં પણ સમય ઘટાડવામાં આવ્યો છે પરંતુ શેરબજારની વાત કરીએ તો શેરબજારમાં નથી સમય ઘટાડાયો કે નથી શેરબજાર બંધ કરાયું ! આ અંગે એક જાગૃત નાગરીકે જણાવ્યુ છે કે શેરબજાર ચાલુ રહેવાથી લોકડાઉનનો હેતુ સરતો નથી. શેરબજાર ચાલુ હોવાને કારણે શેરબજારના ધંધાર્થીઓ ઓફિસે જાય છે અને ત્યાંથી કામ કરે છે, ત્યાં અન્ય લોકો-ગ્રાહકો આવતા હોય છે. જેના કારણે લોકડાઉનનો કે ૧૪૪મી કલમનો ભંગ થતો હોવાનું કહેવાય છે. જાગૃત નાગરીકે જણાવ્યુ છે કે જ્યારે લોકો સ્વૈચ્છીક રીતે બહાર નિકળતા નથી તો શેરબજારના કામ માટે શા માટે ધંધાર્થીએ બહાર નિકળવુ જોઈએ. ધંધાર્થી પોતાના ઘરેથી પણ ઓનલાઈન કામ કરી શકે. માત્ર એક માણસ પણ શેરબજારનુ કામ નિપટાવી શકે છે અથવા જો ઓફિસ ચાલુ રાખવામા આવે તો ત્યાં માત્ર એક જ વ્યકિતને પરવાનગી મળવી જોઈએ. ટોળાશાહી બંધ થવી જોઈએ. જાગૃત નાગરીકે એમ પણ જણાવ્યુ છે કે લોકડાઉનને ધ્યાનમાં રાખીને શેરબજારનો સમય કાં તો ઘટાડવો જોઈએ અથવા તો શેરબજાર લોકડાઉનને કારણે બંધ જ રાખવું જોઈએ. લોકડાઉનનું પાલન કરવુ એ સૌની ફરજ બની રહી છે.

(4:03 pm IST)