મુખ્ય સમાચાર
News of Saturday, 28th March 2020

બે મહિનામાં વિદેશથી ૧૫ લાખ લોકો આવ્યાઃ બધાને શોધો, કેન્દ્રની રાજયોને તાકીદ

હજુ કેટલાયનું મોનિટરિંગ નહીં, કોરોના સામે લડતને ફટકો પડી શકેઃ કેન્દ્રએ રાજય સરકારને પત્ર લખીને કહ્યું: મોનિટરિંગના પ્રયાસોમાં રહેલી અધૂરપો જોખમી સાબિત થઇ શકે

નવી દિલ્હી,તા.૨૮:ભારતમાં છેલ્લા બે મહિનામાં વિદેશથી ૧૫ લાખ લોકો આવ્યા છે. પરંતુ રાજયો દ્વારા મોનિટરિંગ હેઠળના લોકોની સંખ્યા બહુ ઓછી છે. આ બધા લોકોની ભાળ મેળવવા કેન્દ્રએ રાજય સરકારોને તાકીદ કરી છે. આ લોકો કોરોનાનો ચેપ ફેલાવી રહ્યા હશે તો આટલા પ્રયાસો પછી પણ કોરોના સામેની દેશની લડતને બહુ નુકસાન થશે.

કેન્દ્રના કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ તમામ રાજયોને એક પત્ર પાઠવ્યો છે. આ પત્રમાં જણાવાયું છે કે રાજય સરકારો દ્વારા મોનિટરિંગના પ્રયાસોમાં રહેલી અધૂરપો જોખમી સાબિત થઇ શકે છે. ભારતમાં અત્યાર સુધીમાં બહાર આવેલા મોટાભાગના પોઝિટિવ દર્દીઓ વિદેશ પ્રવાસનો ઇતિહાસ ધરાવે છે. આથી, ગયા જાન્યુઆરી માસથી અત્યાર સુધીમાં ભારતમાં આવેલા ભારતીયો તથા અન્ય તમામને શોધી કાઢવા ખાસ જરરી છે.

ભારતે તા. ૧૮મી જાન્યુઆરીથી એરપોર્ટ પર સ્ક્રિનિંગ શરૂ  કર્યું છે. તે પછી તા. ૨૩ માર્ચ સુધીમાં ૧૫ લાખ લોકો ભારત આવ્યા છે. જોકે, રાજય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા વાસ્તવમાં મોનિટરિંગ હેઠળના લોકોની સંખ્યા બહુ જ ઓછી છે. કેન્દ્રનાં આરોગ્ય મંત્રાલયે પણ રાજયોને વારંવાર આ બાબત તરફ ગંભીરતાથી ધ્યાન આપવા જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત દેશભરમાં વિદેશથી આવેલા લોકોએ પોતાના પ્રવાસની વિગતો છૂપાવી હોય અને દ્યરે આઇસોલેશનમાં રહેવાને બદલે લોકોને મળતા રહ્યા હોય તેવા એકથી વધુ કિસ્સા બહાર આવી ચૂકયા છે.

(11:34 am IST)