મુખ્ય સમાચાર
News of Sunday, 28th February 2021

કોવિડની ત્રીજી લહેર બની શકે સૌથી ભયંકર : CISRના ડાયરેક્ટરની જોખમ અંગે ચેતવણી

વાયરસના ચેપથી બચવા માટે માસ્ક પહેરવું અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું તેમજ હેન્ડ ક્લીનિંગ જેવા પગલાંને અનુસરવું જોઈએ

નવી દિલ્હી : દેશમાં કોરોના રસી આવ્યા બાદ અને નવા કેસોમાં ઘટાડો થયો હોવા છતાં કોરોનાનું જોખમ યથાવત છે ,કોરોના વધુ જોખમી સ્વરૂપ લઈ શકે છે. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (CISR)ના ડાયરેક્ટર જનરલ શેખર સી. માંડેએ રવિવારે કોરોનાની ત્રીજી લહેરના જોખમ અંગે ચેતવણી આપી છે. માંડેએ કહ્યું, 'કોવિડ -19 કટોકટી હજી પૂરી થઈ નથી અને જો રોગચાળાની ત્રીજી લહેર આવે તો તેના ગંભીર પરિણામો આવશે.

તેમણે કહ્યું કે, હાલની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંસ્થાઓમાં સતત સહયોગની સાથે હવામાન પરિવર્તન અને ઇંધણ પર અતિ નિર્ભરતાને કારણે સર્જાયેલી કટોકટીની પરિસ્થિતિઓથી બચવું જરૂરી છે.

આવી ખતરનાક પરિસ્થિતિ આખી માનવતા માટે ખતરો ઉભો કરી શકે છે. માંડે અહીં રાજીવ ગાંધી સેન્ટર ફોર બાયોટેકનોલોજી (RGCB) દ્વારા આયોજીત ડિજિટલ કાર્યક્રમને સંબોધન કરી રહ્યા હતા

 

આ કાર્યક્રમની થીમ 'કોવિડ -19 અને ભારતનો પ્રતિસાદ' હતો. તેમણે સ્પષ્ટતા કરી કે ભારત હજી પણ સમુદાયિક પ્રતિરક્ષા પ્રાપ્ત કરવાથી દૂર છે અને લોકોએ વાયરસના ચેપથી બચવા માટે માસ્ક પહેરવા જોઈએ. આ સિવાય લોકોએ સામાજિક અંતર અને હેન્ડ ક્લીનિંગ જેવા પગલાંને પણ અનુસરવું જોઈએ. તેમણે લોકો અને વૈજ્ઞાનિક સમુદાયને ચેતવણી આપી.

 તેમણે કહ્યું કે જો મહામારીની ત્રીજી લહેર છે તો તે એ પડકારથી વધારે ખતરનાક સ્થિતિ હશે જેનો અત્યાર સુધી દેશે સામનો કર્યો છે. માંડેએ વૈજ્ઞાનિક સમુદાયના પ્રશ્નોના જવાબ આપતી વખતે આશા વ્યક્ત કરી કે કોવિડ -19 રસી કોરોના વાયરસના વિવિધ સ્વરૂપો સામે અસરકારક રહેશે.

(11:01 pm IST)