મુખ્ય સમાચાર
News of Sunday, 28th February 2021

ખેડૂતો પર અંગ્રેજોથી પણ વધુ દમન કરે છે મોદી સરકાર

અરવિંદ કેજરીવાલના મોદી પર આકરા પ્રહાર : કિસાનો પર લાકડી વરસાવાઈ રહી છે, ખિલ્લા ઠોકવામાં આવી રહ્યા છે આટલા જુલ્મ તો અંગ્રેજો પણ નહોતા કરતા

મેરઠ, તા. ૨૮ : ઉત્તર પ્રદેશના મેરઠમાં કિસાન મહાપંચાયતમાં પહોંચેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ મોદી સરકાર પર હુમલો કર્યો છે. તેમણે ત્રણેય કૃષિ કાયદાને ડેથ વોરંટ ગણાવ્યા. કેજરીવાલે કહ્યુ કે, પીએમ મોદીએ પોતાના ઉદ્યોગપતિ મિત્રોને ફાયદો પહોંચાડવા માટે આ કાયદાને પાસ કરાવ્યા છે. આ કાયદાને કારણે તેમની ખેતી ઉદ્યોગપતિઓના હાથમાં જતી રહેશે.

અરવિંદ કેજરીવાલે મેરઠની કિસાન મહાપંચાયતમાં કહ્યુ કે, કિસાન આંદોલનમાં ૨૫૦ લોકો શહીદ થઈ ગયા છે. પણ સરકારને વાત સંભળાતી નથી. ૭૦ વર્ષોથી બધી પાર્ટીઓએ કિસાનોને છેતર્યા છે. કેજરીવાલે કહ્યુ કે, કિસાન માત્ર પાકના યોગ્ય ભાવ માગી રહ્યા છે પરંતુ સરકાર માની રહી નથી. કોઈપણ સરકાર કિસાનોની વાત સાંભળતી નથી.  કેજરીવાલે ભાજપ સરકાર પર હુમલો કરતા કહ્યુ કે, આ ત્રણેય કાયદા કિસાનો માટે ડેથ વોરંટ છે. આમ તો દરેક કિસાન મજૂર બની જશે. અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, કિસાનો પર લાકડી વરસાવવામાં આવી રહી છે, ખિલ્લા ઠોકવામાં આવી રહ્યાં છે. આમ તો અંગ્રેજોએ આપણા કિસાનો પર આટલા જુલ્મ કર્યા નથી, ભાજપે તો અંગ્રેજોને પાછળ છોડી દીદા છે. હવે તે આપણા કિસાનો  પર ખોટા કેસ કરી રહી છે.  છેલ્લા ૨૫ વર્ષમાં સાડા ત્રણ લાખ કિસાન આત્મહત્યા કરી ચુક્યા છે. હવે કિસાન દિલ્હીની બોર્ડર પર શહીદી કેમ આપી રહ્યાં છે? કારણ કે તેની જિંદગી મોત પર આવી ગઈ છે. બધી ખેતી મૂડીપતિઓના હાથમાં જતી રહેશે અને કિસાન પોતાના ખેતરમાં મજૂર બની જશે.

કેજરીવાલે કહ્યુ કે કેન્દ્ર સરકારે ૯ સ્ટેડિયમને જેલ બનાવવા માટે પત્ર મોકલ્યો હતો, જેની ફાઇલ તેમણે મારી પાસે મોકલી. પરંતુ અમે ફાઇલ ક્લિયર ન કરી. જો અમે જેલ બનાવવા દેત તો કિસાનોને ત્યાં કેદ કરી લેવામાં આવત અને આંદોલન ખતમ થઈ જાત.

(10:11 pm IST)