મુખ્ય સમાચાર
News of Sunday, 28th February 2021

રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ પર દેશમાં બંધારણીય સંતુલન બગાડવાનો આરોપ લગાવ્યો

ગત 6 વર્ષ દરમિયાન દેશમાં સ્વતંત્ર પ્રેસ અને બંધારણીય સંસ્થાઓ પર હુમલા થયા

નવી દિલ્હી : કોંગ્રેસ પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર નિશાન સાધ્યું છે આગામી મહિનામાં દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે જેને લઈને ભાજપ કોંગ્રેસ બંને મુખ્ય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધા છે ત્યારે રાહુલ ગાંધીએ તામિલનાડુમાં સભા સંબોધી હતી. જેમાં ભાજપ અને આરએસએસ પર ફરીવાર કોંગ્રેસ પૂર્વાધ્યક્ષે વાક્બાણ ચલાવ્યા હતા

રાહુલ ગાંધીએ તામિલનાડુમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ પર દેશમાં બંધારણીય સંતુલન બગાડવાનો આરોપ લગાવ્યો હતો.

રાહુલે તામિલનાડુના તૂથુકૂડીમાં એક કાર્યક્રમમાં કહ્યું કે,'ગત 6 વર્ષ દરમિયાન સમગ્ર દેશમાં સ્વતંત્ર પ્રેસ અને બંધારણીય સંસ્થાઓ પર હુમલા થયા છે. લોકતંત્રનો એક ઝાટકે નહીં પરંતુ ધીમે-ધીમે અંત આવે છે. ગત 6 વર્ષોમાં આમ જ થતું આવ્યું છે. RSS ભારતના બંધારણીય સંતુલનને બગાડી રહી છે. હવે સંસદ અને ન્યાયપાલિકા પર પણ કોઈને ભરોસો રહ્યો નથી.'

રાહુલે મહિલા આરક્ષણની તરફેણ કરતા કહ્યું કે,'હું ન્યાયપાલિકા અને સંસદ, બંનેમાં જ મહિલા આરક્ષણનો સમર્થક છું, દરેક ક્ષેત્રમાં ભારતીય પુરુષોએ મહિલાઓને એ જ દ્રષ્ટિએ જોવી જોઈએ જે રીતે તેઓ પોતાને જોતા હોય છે.' શુક્રવારે જ ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. તામિલનાડુમાં 234 વિધાનસભા બેઠકો માટે 6 એપ્રિલે મતદાન અને 2 મેનાં રોજ પરિણામ જાહેર થશે.

(12:00 am IST)