મુખ્ય સમાચાર
News of Friday, 28th February 2020

લોકોને ભડકાવીને કોંગ્રેસે કોમી રમખાણો કરાવ્યા છે

સીએએને લઇને કોંગ્રેસ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રહારો : સીએએને લઇને કોંગ્રેસ સહિત વિરોધ પક્ષોના લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે : મુખ્યમંત્રી નિતીશકુમાર , મુખ્યમંત્રી નવીન પટનાયક, મુખ્યમંત્રી મમતા બેનર્જીની સાથે લંચ

ભુવનેશ્વર, તા.૨૮ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક દિવસના પ્રવાસે આજે ઓરિસ્સા પહોંચ્યા હતા. ગાળા દરમિયાન અમિત શાહે નાગરિક સુધારા કાનૂનના સમર્થનમાં પાટનગર ભુવનેશ્વરમાં એક સામાન્ય સભા યોજી હતી જેમાં કહ્યું હતું કે, કોંગ્રેસ પોતાના ૫૫ વર્ષના શાસન અને ભાજપના પાંચ વર્ષના શાસનની સરખામણી કરે તો તેમને વાસ્તવિકતા સમજાઈ જશે. શાહે એમ પણ કહ્યું હતું કે, વિપક્ષના લોકો સીએએને લઇને ભ્રમ ફેલાવી રહ્યા છે. લોકોને ઉશ્કેરી રહ્યા છે. રમખાણો કરાવી રહ્યા છે. દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસમાં સીએએને લઇને ભડકેલી હિંસામાં ૪૨ લોકોના મોત થઇ ચુક્યા છે. શાહે લોકોને ખાતરી આપતા કહ્યું હતું કે, જો કોઇ વ્યક્તિને ભ્રમ છે તો નાગરિક કાનૂનના સંદર્ભમાં પુરતી માહિતી મેળવી શકે છે.

         સરકાર તરફથી અનેક વખત સ્પષ્ટતા કરવામાં આવી ચુકી છે. સીએએથી કોઇની પણ નાગરિકતા જશે નહીં. નાગરિકતા આપવા સાથે સંબંધિત કાનૂન છે. તેમણે ઉમેર્યું હતું કે, પડોશી દેશોના લઘુમતિ સમુદાયના લોકોને ત્યા હેરાન પરેશાન કરવામાં આવતા હતા તેમને દેશોમાંથી નિકળવા માટે ભારે મુશ્કેલી નડી રહી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, અત્યાચારનો સામનો કર્યા બાદ પોતાના સન્માનને બચાવવા ભારત આવ્યા હતા. લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવી રહી છે. શાહે આક્ષેપ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીના લોકો લોકોને ઉશ્કેરી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલ જેવા નેતાઓએ જે વચનો આપ્યા હતા તે વચનો મોદી સરકાર પૂર્ણ કરી રહી છે.

         સીએએની કઈ જોગવાઈઓને લઇને લોકોને વાંધો પડી રહ્યો છે તે અંગેની માહિતી જાહેર કરવા કોંગ્રેસને અમિત શાહે પડકાર ફેંક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકોને વિભાજિત કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. શાહે એમ પણ કહ્યું હતું કે, તેમના માટે જે પ્રકારે ઓરિસ્સા છે તે પ્રકારે ગુજરાત છે. તેઓ પાંચ વર્ષ સુધી પાર્ટીના અધ્યક્ષ તરીકે રહ્યા હતા. ઓરિસ્સામાં અનેક વિસ્તારોમાં ફરી ચુક્યા છે. ક્યારે પણ ઓરિસ્સાના વિસ્તારો અલગ લાગ્યા નથી. પહેલા ઓરિસ્સાના પાટનગર  ભુવનેશ્વરમાં મુખ્યમંત્રી નવીન પટનાયકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, બિહારના મુખ્યમંત્રી નિતીશકુમાર અને કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન સાથે વાતચીત કરી હતી. તમામ નેતાઓએ પટનાયકના આવાસ પર સાથે બેસીને લંચની મજા માણી હતી. અમિત શાહ હાલમાં જુદા જુદા રાજ્યોમાં ફરીને સીએએના મામલામાં સ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે.

(7:44 pm IST)