મુખ્ય સમાચાર
News of Friday, 28th February 2020

હિંસાનું રાજકીય કનેકશન

દિલ્હીની જે આઠ બેઠકો ઉપર ભાજપ જીત્યું તેમાંથી પાંચમાં ભયાનક તોફાનો થયા

નવી દિલ્હી, તા.૨૮: દિલ્હીના ઉત્ત્।ર-પૂર્વ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસ દરમ્યાન થયેલાં તોફાનોમાં ૩૮ લોકોનાં મોત થયાં છે અને ૩૦૦થી પણ વધુ ઘાયલ થયા છે. જોકે હાલમાં જ દિલ્હી વિધાનસભાની ૭૦ બેઠકોની ચૂંટણી પૂરી થઈ હતી અને તેમાં આમ આદમી પાર્ટી ભારે બહુમત સાથે જીતી હતી, પણ એ આશ્ચર્યની વાત છે કે જયાંથી ભાજપના ઉમેદવારો જીત્યા છે એ આઠમાંથી પાંચ સીટો પણ દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારની છે અને આ તોફાનો મોટે ભાગે એ વિસ્તારોમાં જ થયાં છે. ભાજપના દિલ્હીના અધ્યક્ષ મનોજ તિવારી પણ ઉત્તર-પૂર્વ દિલ્હીના જ સાંસદ છે. 

આ તોફાનો દરમ્યાન હથિયારધારી લોકોએ (તોફાની તત્ત્વો)એ જાફરાબાદ, મૌજપુર, ઘોંડા, બાબરપુર, ગોકુલપુર, યમુના વિહાર અને ભજનપુરામાં લોકોની માલમિલકતને નિશાન બનાવી હતી. સૌથી હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કરાવલનગર, ઘોંડા, રોહતાસ અને ગાંધીનગર વિધાનસભા ક્ષેત્ર છે. ભાજપે ઉત્તર-પૂર્વમાં ઘોંડા, કરાવલનગર, ગાંધીનગર, રોહતાસ અને વિશ્વાસનગરની સીટો જીતી હતી. આ વિસ્તારોમાં પૂર્વાંચલના લોકોની વસતિ ખાસ્સી છે. આમ આ તોફાનો પાછળ રાજકીય કનેકશન વધારે હોવાનું વધારે લાગી રહ્યું છે.

ગૃહપ્રધાન અમિત શાહે ૨૭ જાન્યુઆરીએ બાબરપુરમાં ચૂંટણીપ્રચાર દરમ્યાન મતદાતાઓને અપીલ કરી હતી કે ઈવીએમનું મશીન એટલું જોરથી દબાવજો કે એનો કરંટ શાહીનબાગ સુધી લાગે( શાહીનબાગમાં પાછલા બે મહિનાથી નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ઘ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે) આ જ બાબરપુર વિધાનસભા ક્ષેત્ર હેઠળ મૌજપુરમાં કપિલ શર્માએ પોલીસને પડકાર ફેંકયો હતો. અહીંથી ભાજપ ચૂંટણી હારી ગયો હતો. આ ક્ષેત્ર પણ હિંસા પ્રભાવિત ક્ષેત્રમાં સામેલ છે.

(9:53 am IST)