મુખ્ય સમાચાર
News of Thursday, 28th February 2019

અભિનંદન વર્તમાને જ પાક.ના F-16ને ફુંકી માર્યુ હતું

ટકરાવ એ સમયે શરૂ થયો જ્યારે પાક. એરફોર્સના ૧૦ એરક્રાફટ LOC પર આગળ વધતા હતા

નવી દિલ્હી તા. ૨૮ : પાકિસ્તાનમાં ભારતીય વાયુસેનાની જબજસ્ત એર સ્ટ્રાઈક બાદ ગઈ કાલે ભારત અને પાકિસ્તાનના યુદ્ઘ વિમાનો વચ્ચે અવાકાશી યુદ્ઘ જામ્યું હતું. જેમાં પાકિસ્તાનનું F-16 યુદ્ઘ વિમાન ભારતે તોડી પાડ્યું હતું. આ વિમાન બીજા કોઈ નહીં પણ હાલ પાકિસ્તાનના કબજામાં રહેલા ભારતીય વાયુસેનાના પાયલટ અભિનંદને જ તોડી પાડ્યું હતું.

વિંગ કમાંડર અભિનંદને LoC પર પાકિસ્તાનના F-16ને જોતા જ MiG-21 વિમાન રવાના કર્યું હતું. તેમને F-16નો પીછો કરતા તેને તોડી પાડ્યું હતું જે પાકિસ્તાનના સરહદી વિસ્તારમાં જઈને કાટમાળમાં ફેરવાઈ ગયું હતું.

નામ ના જાહેર કરવાની શરતે સૂત્રોએ જણાવ્યું હતું કે, ટકરાવ એ સમયે શરૂ થયો જયારે પાકિસ્તાન એર ફોર્સના ૧૦ એરક્રાફટ LoC પર ભારતીય સૈન્ય અડ્ડાઓ પર તરફ આગળ વધતા નજરે પડ્યાં. આ સાથે જ ભારત તરફથી રશિયન બનાવટના ૨ MiG-21 અને સુખોઈ-૩૦ MKI યુદ્ઘ વિમાનોએ પવનવેગે ઉડાન ભરી.

આ દરમિયાન MiG-21ના પાયલટ અભિનંદને પાકિસ્તાનના F-16 પર R73 મિસાઈલ દાગી. એકદમ સટીક નિશાન લગાવીને અભિનંદન તરફથી દાગવામાં આવેલી આ મિસાઈલે પાકિસ્તાનના F-16ને તોડી પાડ્યું. જોકે આ વિમાન પાકિસ્તાનની સરહદમાં જઈને પડ્યું હતું અને જોતજોતામાં જ કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનના આ યુદ્ઘ વિમાનો ટુ સીટર હતાં અને તેમણે ત્રણ જુદા જુદા એસબેઝ પરથી ઉડાન ભરી હતી.

ભારતમાં નાપાક ઈરાદાઓ સાથે પ્રવેશેલા આ પાકિસ્તાની યુદ્ઘ વિમાનો ભારતીય એરફોર્સના વિમાનોને જોતા જ પોતાની સરહદમાં ઉભી પૂંછડીયે ભાગ્યા હતાં. જેમાં પાકિસ્તાનને એક F-16માં નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. એક ભારતીય અધિકારીના જણાવ્યા પ્રમાણે MiG-21 દ્વારા તોડી પાડવામાં આવેલું પાકિસ્તાની જેટને આપણા સૈનિકોએ તુટી પડતા નજરે જોયું હતું.

જોકે આ દરમિયાન MiG-21ના વિંગ કમાન્ડર અભિનંદન LoC ક્રોસ કરી ગયા અને તેમનું વિમાન પણ તુટી પડ્યું અને તેઓ હાલ પાકિસ્તાનના કબજામાં છે.

(3:34 pm IST)