મુખ્ય સમાચાર
News of Friday, 28th January 2022

કોરોનાના દૈનિક કેસમાં ઘટાડો : રિકવર થનારા દર્દીઓની સંખ્‍યામાં વધારો

રાહતના સમાચાર : ૨૪ કલાકમાં નોંધાતા કેસમાં ૩૪ હજારનો ઘટાડો જોવા મળ્‍યો

નવી દિલ્‍હી તા. ૨૮ : દેશમાં કોરોનાના નવા દૈનિક મામલાના ટ્રેન્‍ડમાં અસમાનતા જોવા મળી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા કેસમાં અંદાજે ૩૪ હજારનો ઘટાડો નોંધવામાં આવ્‍યો છે. કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય દ્વારા જાહેર આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૨,૫૧,૨૦૯ નવા કેસ સામે આવ્‍યા છે. બીજી બાજુ આ મહામારીથી ૬૨૭ દર્દીના મોત થયા છે. કાલે જે આંકડા બહાર પાડવામાં આવ્‍યા હતા. તેના મુજબ, ૨,૮૬,૩૮૪ કેસ સામે આવ્‍યા હતા.
કેન્‍દ્ર સરકારના ડેટા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૩,૪૭,૪૪૩ દર્દીઓએ આ મહામારીને માત આપી છે. એક્‍ટિવ કેસની વાત કરીએ તો દેશમાં આવા ૨૧,૦૫,૬૧૧ કેસ છે, જેનો દૈનિક દર હાલમાં ૫.૧૮ ટકા છે. રાષ્ટ્રવ્‍યાપી કોવિડ-૧૯ રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્‍યાર સુધીમાં રસીના ૧,૬૪,૪૪,૭૩,૨૧૬ થી વધુ ડોઝ આપવામાં આવ્‍યા છે.
દેશમાં સંક્રમિતોની સંખ્‍યા ૭ ઓગસ્‍ટ ૨૦૨૦ના રોજ ૨૦ લાખ, ૨૩ ઓગસ્‍ટ ૨૦૨૦ના રોજ ૩૦ લાખ અને ૫ સપ્‍ટેમ્‍બર ૨૦૨૦ના રોજ ૪૦ લાખને વટાવી ગઈ હતી. ચેપના કુલ કેસ ૧૬ સપ્‍ટેમ્‍બર ૨૦૨૦ના રોજ ૫૦ લાખ, ૨૮ સપ્‍ટેમ્‍બર ૨૦૨૦ના રોજ ૬૦ લાખ, ૧૧ ઓક્‍ટોબર ૨૦૨૦ના રોજ ૭૦ લાખ, ૨૯ ઓક્‍ટોબર ૨૦૨૦ના રોજ ૮૦ લાખ અને ૨૦ નવેમ્‍બરના રોજ ૯૦ લાખને વટાવી ગયા હતા. ભારતમાં સંક્રમિતોની કુલ સંખ્‍યા ૪ મેના રોજ ૨૦ મિલિયન, ૨૩ જૂને ૩૦ મિલિયન અને બુધવારે ૪૦ મિલિયનથી વધુ થઈ ગઈ હતી.

 

(11:13 am IST)