મુખ્ય સમાચાર
News of Thursday, 28th January 2021

અર્થવ્યવસ્થાનું પતન કરવાનું મોદી પાસેથી શીખોઃ રાહુલ ગાંધી

કૃષિ કાયદા પાછા ખેંચવા કોંગ્રેસના નેતાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ : રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીના વિનમ્ર બનીને તમે દુનિયાને હલાવી શકો છો, એવા કથનનો હવાલો આપ્યો

નવી દિલ્હી, તા. ૨૮ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થાને લઇને ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે લખ્યું છે કે, ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થાનું કઇ રીતે પતન કરવું, તે અંગેની સીખ મોદી સરકાર પાસેથી લો. તેમણે ટ્વિટ કરતાં લખ્યું કે, મોદી સરકાર એક પાઠ સમાન છે કે દુનિયાની ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થાનું પતન કેવી રીતે કરવું.

જ્યારે અગાઉ કરેલી ટ્વિટમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ફરી આગ્રહ કર્યો કે ત્રણેય કૃષિ કાયદા પરત લેવામાં આવે. તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના એક કથનનો હવાલો આપતાં ટ્વિટમાં કહ્યું કે,વિનમ્ર રીતે તમે દુનિયા હલાવી શકો છો-મહાત્મા ગાંધી. એક વખત ફરી મોદી સરકારને અપીલ છે કે તરત કૃષિ વિરોધી કાયદા પાછા લેવામાં આવે. ઉલ્લેખનીય છે કે, ગણતંત્ર દિવસે દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસા ફેલાઇ હતી. તેઓ બેરિકેડ્સ તોડીને મધ્ય દિલ્હી સુધી પહોંચી ગયા હતા. પ્રદર્શનકારીઓ દિલ્હીના લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા અને ત્યાં તેમનો ઝંડો ફરકાવ્યો હતો. દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘણા પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા.

હિંસાને પગલે પોલીસ એક્શનમાં આવી છે. દિલ્હી પોલીસે લગભગ ૨૦૦ પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે. જેમની પર હિંસા કરવા, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા અને પોલીસકર્મીઓ પર હુમલાનો આરોપ મુકાયો છે. હિંસામાં પોલીસે કુલ ૨૨ એફઆઇઆર દાખલ કરી છે. સાથે પોલીસે યોગેન્દ્ર યાદવ, બલદેવ સિંહ સિરસા, બલવિર એસ રાજેવાલ સહિત ૨૦ ખેડૂત નેતાઓને નોટિસ ફટકારી છે.

(7:37 pm IST)