મુખ્ય સમાચાર
News of Thursday, 28th January 2021

બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અપોલો હોસ્પિટલમાં: બ્લોકેજ દૂર કરવા મુકાશે 2 સ્ટેન્ટ

છાતીમાં દુખાવો થયાની ફરિયાદ બાદ તેઓને અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા

કોલકતા :બીસીસીઆઈના અધ્યક્ષ અને પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીની તબિયત ફરી એકવાર બગડી ગઈ છે. ગતરોજ તેઓને કોલકાતાની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આજે તેમના બ્લોકેજને દૂર કરવા માટે 2 સ્ટેન્ટ મૂકવામાં આવશે.

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ગુરુવારે વધુ બે સ્ટેન્ટ લગાવી શકાય છે. કોલકાતાની વૂડલેન્ડ હોસ્પિટલે આ જાણકારી આપતા જણાવ્યું હતું કે, આ સંદર્ભમાં ડોક્ટરો સૌરભ ગાંગુલીના તમામ જરૂરી પરીક્ષણો કરી રહ્યા છે. મંગળવારે રાત્રે સૌરવ ગાંગુલીને એકવાર ફરી છાતીમાં દુખાવો થતાં તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પહેલાં જાન્યુઆરી માહિનાની શરૂઆતમાં સૌરવ ગાંગુલી જ્યારે પોતાના ઘરે કસરત કરી રહ્યા હતા, ત્યારે તેઓને સામાન્ય હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર બાદ ડોક્ટરોએ તેઓની એક આર્ટરીની એન્જિયોપ્લાસ્ટી કરી હતી. આ દરમિયાન તપાસમાં સામે આવ્યું હતું કે, દાદાની ત્રણેય આર્ટરીમાં બ્લોકેજ છે. એક ધમનીમાં સ્ટેન્ટ મૂક્યા બાદ 7 જાન્યુઆરીએ તેઓએ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

મંગળવારની રાત્રે એકવાર ફરી છાતીમાં દુખાવો થતાં તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ અહીં તેમનું કાર્ડિયાક ચેકઅપ અને અન્ય મહત્વપૂર્ણ પરીક્ષણો કરવામાં આવ્યા હતા. ગાંગુલીની સારવાર કરી રહેલા ડો. સપ્તઋષિ બાસુ અને ડો. સરોજ મંડળે જણાવ્યું કે, છાતીમાં દુખાવો થયાની ફરિયાદ બાદ તેઓને અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુરુવારે ડો. આફતાબ ખાન પોતાને સ્ટેન્ટ લગાવવાનું કરવાનું કામ કરશે. આ દરમિયાન જાણીતા હાર્ટ સર્જન ડો.દેવી શેટ્ટી પણ હાજર રહેશે.

(12:48 pm IST)