મુખ્ય સમાચાર
News of Thursday, 28th January 2021

ટ્રેકટર રેલીમાં હિંસા એ સરકારનું ષડ્યંત્ર : દિલ્હી પોલીસ પણ સામેલ : કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન ચાલુ રહેશે: ખેડૂત નેતાઓ

લાલ કિલ્લા અને દિલ્હીના અન્ય વિસ્તારોમાં થયેલી હિંસક કાર્યવાહી સાથે અમારો કોઈ જ સંબંધ નથી : કડક નિંદા કરીએ છીએ

નવી દિલ્હી : સંયુક્ત કિસાન મોરચાના ખેડૂત નેતાઓએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, દિલ્હીની બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલન પહેલાની જેમ જ ચાલું રહેશે. ખેડૂત નેતાઓએ કહ્યું છે કે, તેમનું આંદોલન ત્યાર સુધી ચાલું રહેશે જ્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાયદાઓને પરત લેવામાં આવશે નહીં. દિલ્હીમાં થેયલી હિંસા પર ખેડૂત નેતાઓનું કહેવું છે કે, તે સરકારનું ષડયંત્ર હતું અને દિલ્હી પોલીસ પણ તેમાં સામેલ હતી

સંયુક્ત કિસાન મોરચાએ પોતાની પ્રેસ નોટમાં લખ્યું છે કે, “પાછલા સાત મહિનાઓથી ચાલી રહેલા શાંતિપૂર્ણ આંદોલનને બદનામ કરવાનું ષડયંત્ર હવે જનતા સામે ઉજાગર થઈ ચૂક્યું છે. કેટલાક વ્યક્તિઓ અને સંગઠન (મુખ્ય રીતે દિપ સિધુ અને સતનામ સિંહ પન્નૂની આગેવાનીમાં ખેડૂત મજૂર સંઘર્ષ કમિટી)ના સહારે, સરકારે આ આંદોલને હિંસક બનાવ્યું. અમે ફરીથી સ્પષ્ટ કરીએ છીએ કે, લાલ કિલ્લા અને દિલ્હીના અન્ય વિસ્તારોમાં થયેલી હિંસક કાર્યવાહી સાથે અમારો કોઈ જ સંબંધ નથી. અમે તે ગતિવિધિઓની કડક નિંદા કરીએ છીએ.

ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, કાલે દિલ્હીમાં ટ્રેક્ટર રેલી ખુબ જ સફળતાપૂર્વક થઈ. જો કોઈ ઘટના ઘટી છે તો તેના માટે પોલીસ પ્રશાસન જવાબદાર રહ્યું છે. કોઈ લાલ કિલ્લા ઉપર પહોંચી જાય અને પોલીસની એક ગોળી પણ ના ચાલે. આ ખેડૂત સંગઠનોને બદનામ કરવાનું ષડયંત્ર હતું. ખેડૂત આંદોલન ચાલું રહેશે

ખેડૂત નેતાઓનું કહેવું છે કે, તેઓ 30 જાન્યુઆરીએ ગાંધીજીના શહાદત દિવસ પર શાંતિ અને અહિંસા પર ભાર આપવા માટે, આખા દેશમાં એક દિવસનો ઉપવાસ રાખવામાં આવશે. સંયુક્ત કિસાન મોરચાએ જનતાને દીપ સિદ્ધૂ જેવા તત્વોનો સામાજિક બહિષ્કાર કરવાની અપીલ કરી છે.

ખેડૂત નેતાઓએ 1 ફેબ્રુઆરીએ સંસદ કૂચ કરવાનો કાર્યક્રમ રદ્દ કરી દીધો છે. ખેડૂત નેતાઓએ નૈતિક જવાબદારી લેતા એક ફેબ્રુઆરી માટે નિર્ધારિત સંસદ માર્ચને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.

(10:32 am IST)