૪૦૦થી વધારે ઉદ્યોગપતિઓ હાજર રહેશે
'દાવોસ એજન્ડા'ને આજે PM મોદી સંબોધન કરશે

નવી દિલ્હી તા. ૨૮ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિશ્વ આર્થિક મંચના દાવોસ કાર્યક્રમમાં સંબોધન કરશે. જેમાં ભારતના વિકાસ સંબંધી વિવિધ હેતુઓ તેમજ ટેકનિક પર પોતાની વાત રાખશે.
પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરાયેલા નિવેદન મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૮ જાન્યુઆરીના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિશ્વ આર્થિક મંચના દાવોસ સંવાદને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં દુનિયાના ઉદ્યોગ જગતના ૪૦૦થી વધારે ટોચના પ્રતિનિધિઓ ભાગ લેશે, જેમાં પ્રધાનમંત્રી 'ચોથી ઔદ્યોગિક ક્રાંતિ-માનવતાની ભલાઇ માટે ટેકનિકનો ઉપયોગ' વિષય પર સત્રને સંબોધન કરશે.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ દરમિયાન કંપનીઓના CEOની સાથે વાતચીત પણ કરશે. અન્ય વૈશ્વિક નેતાઓ સિવાય આ સંમેલનમાં અત્યાર સુધી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, જર્મીનના ચાંસલર એંજેલા માર્કલ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સંબોધન કરી ચૂકયાં છે. એક નિવેદન મુજબ દાવોસ સંવાદ એજન્ડા કોવિડ-૧૯ મહામારી પછી દુનિયામાં વૈશ્વિક આર્થિક મંચની મહત્વપૂર્ણ પહલની શરુઆતનું પ્રતીક છે.
આમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે WEF શિખર સંમેલનને સંબોધન કરશે. PM મોદી સહિત વિશ્વના ટોચના નેતા આ શિખર સંમેલનમાં સંબોધન કરશે. કોરોનાના કહેરના કારણે દાવોસ શિખર સંમેલન સિંગાપોરમાં મળશે.
જો કે સમગ્ર સંમેલન વીડિયો કોન્ફરન્સની મદદથી યોજવામાં આવશે. ચાલુ વર્ષની આ પ્રથમ વૈશ્વિક સમિટ હશે. જેમાં ૧ હજારથી વધુ વૈશ્વિક નેતા વીડિયો કોન્ફરન્સથી જોડાશે. આ સમિટમાં આર્થિક, સામાજિક, પર્યાવરણ અને ટેકનોલોજીના પડકારો મુદ્દે ચર્ચા થઈ શકે છે.
વિશ્વ આર્થિક મંચના ઓનલાઇન દાવોસ એજન્ડા શિખર સંમેલનની શરૂઆત રવિવારના રાતે થઇ ગઇ છે. WEFનું નિયમિત વાર્ષિક સંમેલન આ વર્ષે મે મહિનામાં સ્વિત્ઝરલેંડના દાવોસના બદલે સિંગાપોરમાં હશે.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે વૈશ્વિક નેતાઓને નવા શીત યુદ્ઘની શરુઆત થવાના વિરુદ્ઘમાં ચેતવ્યાં છે. જિનપિંગ આ સાથે કોવિડ-૧૯ મહામારી સામે વૈશ્વિક એકતાનો પણ આગ્રહ રાખ્યો.