મુખ્ય સમાચાર
News of Tuesday, 28th January 2020

દિલ્હીના શાહીન બાગમાં ૪૦ હજારથી ૩ લાખ સુધીના ભાડાવાળી ૨૫૦ દુકાનો ૪૦ દિવસથી બંધઃ નુકશાની છતાં વિરોધ પ્રદર્શનને સમર્થન

શાહીન બાગમાં સીએએ-એનઆરસીના વિરોધમાં મહિલાઓ, યુવાનો, વડીલોનું ધરણા પ્રદર્શન ચાલુઃ નોકરી-ધંધા ઠપ્પઃ આજે વિરોધ નહિ કરીએ તો કાલે વધુ નુકશાન થશેઃ ધરણા દેનારાઓ લડી લેવાના મૂડમાં

નવી દિલ્હી, તા. ૨૮ :. દિલ્હીના શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાનૂન અને નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝનની વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન ચાલુ છે. ૧૫ ડીસેમ્બરથી મહિલાઓ ધરણા દઈ રહી છે. યુવાનો અને વડીલો પણ સાથે છે. દુકાનો અને શોરૂમ બંધ છે. જેનુ ભાડુ ૪૦ હજારથી ૩ લાખ સુધીનુ છે. વેપારીઓને જંગી નુકશાન થઈ રહ્યુ છે. આમ છતા તેઓ વિરોધ પ્રદર્શનની સાથે છે.

શાહીન બાગ રોડ નં. ૧૩-એ સાથે થોડે દૂર લગભગ ૮૦૦ મીટર વિસ્તારમાં ધરણા પ્રદર્શન ચાલુ છે. જેમાં દુકાનદારો પણ જોડાયા છે. શાહીન બાગ રોડના આ ભાગમાં ૨૫૦ દુકાનો છે. મોટી બ્રાન્ડસ શો રૂમ છે, તો નાની નાની દુકાનો પણ છે જે ૪૦ દિવસથી બંધ છે. ભાડુ ૪૦ હજારથી ૩ લાખ સુધીનું છે. અત્યારે માત્ર શટર ખોલવામાં આવે છે, સફાઈ થાય છે અને પછી દુકાન બંધ કરી દેવાય છે.

દર મહિને દોઢ લાખ રૂપિયાનું ભાડુ આપનાર એક દુકાનદાર કહે છે કે અહીં ૯૦ ટકા દુકાનો ભાડા પર છે. જેમાં ૬૦ ટકા મુસ્લિમ દુકાનદાર છે તો ૪૦ ટકા હિન્દુઓની છે. બધાએ મરજીથી વેપાર બંધ રાખ્યો છે. ઘણુ નુકશાન થાય છે. સરકાર ભેદભાવવાળો કાયદો ન લાવે તો કશું ન થાત. જો આજે વિરોધ ન કરીએ તો કાલે નુકશાન વધુ થશે. સીએએ બાદ એનઆરસી લાવવામાં આવશે. લોકોએ લાઈનમાં ઉભુ રહેવુ પડશે.

એક કાર મીકેનિક કહે છે કે અમારી દુકાનના માલિક હિન્દુ છે. અમે તેમને કહ્યુ કે આ મહિને ધંધો નથી થયો તો તેમણે ભાડુ માફ કરી દીધું. ૧૦ કર્મચારી છે. બધાને અડધો પગાર આપી રજા આપી દેવામાં આવી છે. દુકાન ખોલવાનો ફાયદો પણ નથી. બન્ને તરફથી રોડ બંધ છે.

એક મોટી બ્રાન્ડનો શો રૂમ પણ બંધ છે. તેનો કર્મચારી કહે છે કે શિયાળામાં ૧૫ લાખનો માલ વેંચીએ છીએ આ વખતે કશું નથી વેચાણું. એક મહિનામાં વિવિધ ફ્રેન્ચાઈઝે ૧૦૦૦ કર્મચારીઓને રજા આપી દીધી છે. વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે તો વધુ ખરાબ દિવસો આવશે. જ્યાં સુધી સીએએ પરત નહી ખેંચાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેવાનું છે.

(11:33 am IST)