મુખ્ય સમાચાર
News of Monday, 27th January 2020

ચીનમાં ફસાયેલા ગુજરાતના 23 વિદ્યાર્થીઓ પાછા ફરશે : સીએમ વિજયભાઈ રૂપાણીની રજૂઆત બાદ ભારતીય દૂતાવાસ એક્શનમાં

ચીનમાં જૂનાગઢના 4 અને રાજકોટના 11 વિદ્યાર્થીઓ સામેલ: ગુજરાતના તમામ 23 વિદ્યાર્થીઓ દિલ્હી એરપોર્ટ પહોંચી શકે

 

નવી દિલ્હી : ચીનમાં ફસાયેલા ગુજરાતના 23 વિદ્યાર્થીઓને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ચીનમાં ફસાયેલા વિદ્યાર્થી આવતીકાલે ગુજરાત પરત આવે તેવી શક્યતા બતાવવામાં આવી રહી છે. ચીનમાં ગુજરાતી વિદ્યાર્થીઓની પરિસ્થિતિને જાણી CM રૂપાણીએ વિદેશમંત્રી એસ.જયશંકર સમક્ષ રજૂઆત કરી હતી. સીએમ વિજય રૂપાણીએ વિદેશમંત્રીને રજૂઆત બાદ ભારતીય દૂતાવાસ એક્શનમાં આવી ગયું હતું. ચીનમાં જૂનાગઢના 4 અને રાજકોટના 11 વિદ્યાર્થીઓ સામેલ છે. ગુજરાતના તમામ 23 વિદ્યાર્થીઓ આવતીકાલે દિલ્હી એરપોર્ટ પહોંચી શકે છે.

ચીનમાં MBBSનો અભ્યાસ કરવા ગયેલી વડોદરાના નવાયાર્ડ ડી કેબિન સ્થિત રેલવે કોલોનીની વિદ્યાર્થિની શ્રેયા જૈમન(ઉ.વ.18) અને સોમા તળાવ વિસ્તારના વૃદ પટેલ સહિત સહિત 20 ગુજરાતી વિદ્યાર્થીઓ ચીનના વુહાન સિટીમાં ફસાયા છે. જેઓ ભોજન અને પાણી મળી રહ્યું નથી અને મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. જેથી વિદ્યાર્થિનીના પિતા શશિકુમાર જૈમને પીએમઓ, વિદેશ મંત્રી, ગૃહ મંત્રી, સીએમ અને સાંસદને ટ્વિટ કરીને આ અંગે જાણ કરી છે અને તેમની પુત્રી સહિત વિદ્યાર્થીઓને બચાવવા માટે મદદની માંગણી કરી છે.

ચીનમાં કોરોના વાઇરસના મચેલા હાહાકારથી સ્થિતિ ગંભીર હોઈ ગુજરાતમાંથી ચીનમાં મેડિકલ અભ્યાસાર્થે ગયેલા સ્ટુડન્ટ્સ ગભરાટના માર્યા પરત ફરી રહ્યા છે. જાણકારી મુજબ મંગળવારે બૈજિંગથી આવનારી ફ્લાઇટમાં રાજ્યના 23 વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. મોટાભાગે તેઓ દિલ્હી આવશે, જ્યાં તબીબોની ટીમો દ્વારા સ્વાભાવિક રીતે તેમનું સઘન ટેસ્ટિંગ થશે, પછી જ તેમને જેતે સ્થળે પહોંચતાં કરાશે.

(12:43 am IST)