મુખ્ય સમાચાર
News of Sunday, 27th December 2020

CBSE બોર્ડ પરીક્ષા ક્યારે થશે : 31મીએ સાંજે જાહેરાત થશે

શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ટ્વિટ કરીને આપી જાણકારી

નવી દિલ્હી : શિક્ષા મંત્રીએ જાહેરાત કરી હતી કે, ફેબ્રુઆરી સુધી સીબીએસઈની બોર્ડ પરીક્ષા થશે નહીં. પરંતુ હવે શિક્ષા મંત્રી નિશંકે એક વધુ ટ્વિટ કર્યું છે અને જણાવ્યું છે કે, 31 ડિસેમ્બરે સાંજે 6 વાગે જાહેરાત કરીશું કે, બોર્ડ પરીક્ષા ક્યારે થશે.રમેશ પોખરિયાલ નિશંકે ટ્વિટ પર લખ્યું છે કે, તેઓ વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ માટે એક મોટી જાહેરાત કરવા જઈ રહ્યાં છે.

“સીબીએસઈની 2021 બોર્ડની પરીક્ષાઓમાં બેસનાર વિદ્યાર્થીઓ માટે જાહેરાત કરીશ કે, તેમની પરીક્ષાઓ ક્યારથી શરૂ થશે.

આ પહેલા કેન્દ્રીય શિક્ષા મંત્રીએ સીબીએસઈના શિક્ષકો સાથે વાત કરી હતી. આ વાતચીત બોર્ડ પરીક્ષાઓને લઈને કરવામાં આવી હતી. જેમાં નિશંકે શિક્ષકોના બધા જ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન શિક્ષા મંત્રીએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતુ કે, ફેબ્રુઆરીથી પહેલા બોર્ડ પરીક્ષા આયોજિત કરશે નહીં. તેમને કહ્યું કે, વિદ્યાર્થીઓ પાસે લગભગ બે મહિનાનો સમય છે. તે પછી જ નક્કી થશે કે, બોર્ડ પરીક્ષા ક્યારે લેશે. જોકે, હવે 31 ડિસેમ્બરે પરીક્ષાની તારીખ જાહેર કરવાની વાત કહેવામાં આવી છે.

એટલે આવનારા ચાર દિવસોમાં લાખો વાલીઓને ખબર પડી જશે કે, તેમના બાળકોની બોર્ડની પરીક્ષા ક્યાંરથી આયોજિત થશે. સાથે જ તે બધી અટકળો પર વિરામ લાગી જશે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, કેન્દ્ર સરકાર ઓનલાઈન પરીક્ષા લઈ શકે છે. આશા છે કે, માર્ચ અથવા એપ્રિલમાં સીબીએસઈની બોર્ડ પરીક્ષા આયોજિત થઈ શકે છે.

(12:00 am IST)