મુખ્ય સમાચાર
News of Saturday, 27th November 2021

હિન્દુસ્તાન યુનિલીવર, ITC, પારલે સહિતની કંપનીઓએ કાચો માલ મોંઘો થતાં વિવિધ પ્રોડકટના ભાવ વધાર્યા

ચા - કોફી - સાબુ - પાઉડર - લોશન - ક્રીમ - શેમ્પુ - બિસ્કીટ થયા મોંઘા

મોંઘવારીના વિષચક્રમાં આમ આદમીને હવે FMCG કંપનીઓએ ફટકો માર્યો : બધી કંપનીઓએ ૧ થી ૩૩ ટકા ભાવો વધાર્યા

નવી દિલ્હી તા. ૨૭ : હિન્દુસ્તાન યુનિલીવર, આઇટીસી અને પાર્લે પ્રોડકટ્સ જેવી એફએમસીજી કંપનીઓએકાચા માલની વધતા ખર્ચનું દબાણ ઓછું કરવા માટે ઓકટોબર અને નવેમ્બરમાં તેમના ઉત્પાદોનાભાવ વધારી દેવામાં આવ્યા છે.દેશની સૌથી મોટી કન્ઝયુમર ગૂડ્ઝ કંપની HULએ ચાલુ કવાર્ટરમાં તેના પોર્ટફોલિયોમાં તમામ પ્રોડકટ્સના ભાવમાં વધારો કર્યો છે. કંપનીએ ૧ થી ૩૩ ટકાની રેન્જમાં મૂલ્યવૃદ્ઘિ કરી છે. HULએ તેના ઉત્પાદનોના ભાવમાં સરેરાશ ૭ ટકાનો વધારો કર્યો છે.

કમ્ફર્ટ કંડિશનરના ૧૯ મિલી પેકમાં મહત્તમ ૩૩.૩૩ ટકાનો ભાવ વધારો જોવા મળ્યો છે. કંપનીએ ચા, કોફી, સાબુ, ડિટર્જન્ટ, ટોયલેટ કલીનર, ફેસ ક્રીમ, બોડી લોશન અને શેમ્પૂના ભાવમાં પણ વધારો કર્યો છે.૫૦ ગ્રામના બ્રુ ઇન્સ્ટન્ટ કોફી પેકની કિંમતમાં ૮.૩ ટકા અને લિપ્ટન ટીના ભાવમાં ૩ ટકાનો વધારો થયો છે. ડવ સાબુના ભાવ ૭-૧૨ ટકા અને સર્ફ એકસેલ ૨-૯ ટકા મોંઘા થયા છે. લકસ સાબુની કિંમતમાં પણ ૭ થી ૧૮ ટકાનો વધારો થયો છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડને ઈમેલ કરેલા નિવેદનમાં, HULએ જણાવ્યું હતું કે, 'કોમોડિટીના ભાવમાં અણધારી અસ્થિરતા સાથે ફુગાવાનું દબાણ અમારા પર વધ્યું છે. અમે ખર્ચનો બોજ ઘટાડવા માટે બચત એજન્ડા પર કામ કર્યું છે. પરંતુ ઉંચી કિંમતને કારણે અમારે નેટ રેવન્યુ મેનેજમેન્ટના સિદ્ઘાંત પર અમારા ઉત્પાદનોની કિંમતોમાં વધારો કરવો પડ્યો.'

HULના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર રિતેશ તિવારીએ કંપનીના પરિણામોની જાહેરાત બાદ રોકાણકારોને જણાવ્યું હતું કે HULએ કાચા માલની વધેલી કિંમતને આંશિક રીતે સરભર કરવા માટે ડિટર્જન્ટ અને ઘરગથ્થુ વસ્તુઓના ભાવમાં વધારો કર્યો છે.

પારલે પ્રોડકટ્સે આ કવાર્ટરમાં તેના ઉત્પાદનોની કિંમતમાં ૫ થી ૧૦ ટકાનો વધારો કર્યો છે. ૨૦ રૂપિયાથી નીચેના પેક પર કિંમત વધારવાને બદલે પાર્લે-જી બિસ્કિટ બનાવનારી કંપનીએ વજનમાં ઘટાડો કર્યો છે અને ૨૦ રૂપિયાથી ઉપરના ઉત્પાદનોની કિંમતોમાં વધારો કર્યો છે.

પાર્લે પ્રોડકટ્સના કેટેગરી હેડ મયંક શાહે જણાવ્યું હતું કે, 'ખાદ્ય તેલ જેવા કાચા માલના ભાવ ૫૫-૬૦ ટકા વધ્યા છે અને ઘઉં અને ખાંડ પણ ૮-૧૦ ટકા મોંઘા થયા છે. એટલા માટે અમારે ઉત્પાદનોની કિંમતો વધારવી પડશે. ફેબ્રુઆરી-માર્ચમાં પણ કંપનીએ તેના ઉત્પાદનોની કિંમતોમાં ૫ થી ૧૦ ટકાનો વધારો કર્યો હતો.'

ITC એ વધેલી કિંમતના બોજને ઘટાડવા માટે કેટલીક પ્રોડકટ્સના ભાવમાં પણ વધારો કર્યો છે. ITCએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'કાચા માલની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે અને સમગ્ર ઉદ્યોગને ઉત્પાદનોની કિંમતમાં વધારો કરવો પડ્યો છે. જો કે, ITC ખર્ચ વ્યવસ્થાપન, અનુકૂળ બિઝનેસ મોડલ સહિતના વિવિધ પગલાં પણ લઈ રહી છે જેથી કરીને વધેલા ખર્ચનો સમગ્ર બોજ ગ્રાહકો પર ન જાય.'

બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ ઓકટોબર અને માર્ચ વચ્ચે ફરી એકવાર કિંમતોમાં ૬ ટકાનો વધારો કરવાની યોજના બનાવી રહી છે. કંપનીએ રોકાણકારોને ચેતવણી આપી છે કે ભાવમાં વધારો વેચાણને અસર કરી શકે છે. બ્રિટાનિયાના મેનેજિંગ ડિરેકટર વરુણ બેરીએ જણાવ્યું હતું કે, 'આગળ જતા વેચાણમાં વૃદ્ઘિ ઓછી હોઈ શકે છે જે ફકત આપણા માટે જ નહીં પરંતુ સમગ્ર ઉદ્યોગ માટે હશે. પરંતુ મોંઘવારીના દબાણને જોતા ઉત્પાદનોની કિંમતો વધારવા સિવાય કોઈ વિકલ્પ નથી.'

બેરીએ જણાવ્યું હતું કે કોમોડિટીની વધતી કિંમતને ધ્યાનમાં રાખીને કિંમતોમાં વધારો કરવો અનિવાર્ય બની ગયો છે. તેથી, ઉત્પાદનોની કિંમતોમાં વધારો કરવામાં આવશે, કંપનીના એક તૃતીયાંશ ઉત્પાદનોની કિંમતમાં વધારો થશે અને બે તૃતીયાંશ ઉત્પાદનોના પેકેટના વજનમાં ઘટાડો થશે.

(10:58 am IST)