મુખ્ય સમાચાર
News of Friday, 27th November 2020

તપાસના રીપોર્ટ બાદ પોલીસ ફરિયાદ અંગે નિર્ણય : રેમ્યા મોહન

કલેકટર - એડી. કલેકટર બંને આખી રાત જાગ્યા : કોર કમિટિની મીટીંગમાં તમામ હોસ્પિટલમાં તપાસનો મુદ્દો પણ ચર્ચામાં : ભયાનક આગ ICUમાંથી પ્રસરી હતી : તપાસનીશ અધિકારી શ્રી એ.કે.રાકેશ સાથે કલેકટર ઉપરાંત તમામ હાઇલેવલ અધિકારીઓ ખાસ સાથે રહેશે : પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સરકીટથી આગ લાગ્યાનું જણાય છે : તપાસ બાદ સાચી હકિકત બહાર આવશે : બપોરે ૩ વાગ્યા બાદ તમામ અધિકારીઓ ઘટના સ્થળે જશે

રાજકોટ તા. ૨૭ : રાજકોટમાં શિવાનંદ કોવીડ હોસ્પિટલમાં આગ લાગી-૫ના કરૂણ મોત થયા તે સંદર્ભે આજે કલેકટર કચેરી ખાતે નોડલ ઓફિસર ડો. રાહુલ ગુપ્તાની અધ્યક્ષતામાં બપોરે ૧૨ વાગ્યાથી કોર કમિટિની મીટીંગ શરૂ થઇ છે, તેમાં કોરોનાના કેસો વધ્યા અને તે બાબતે પગલા વિગેરે બાબતે મહત્વના નિર્ણયો લેવાશે.

આ કોર કમિટિની મીટીંગ પહેલા કલેકટરશ્રી રેમ્યા મોહને પત્રકારોને બ્રીફ કર્યા હતા.

તેમણે જણાવેલ કે, પ્રાથમિક દ્રષ્ટિે શોર્ટ સરકીટને કારણે આગ લાગી હોવાનું બહાર આવી રહ્યું છે, પરંતુ સાચી બાબત તો એફએસએલના રીપોર્ટ બાદ જાણી શકાશે.

પોલીસ ફરિયાદ અંગે કલેકટરશ્રીએ જણાવેલ કે તપાસનો રીપોર્ટ આવ્યા બાદ તે અંગે નિર્ણય લેવાશે, હાલ કોનો વાંક છે, કોણ જવાબદાર છે તે નક્કી કરવું અઘરૃં છે.

બાકીની તમામ હોસ્પિટલોમાં ચેકીંગ અંગે તેમણે જણાવેલ કે તમામ હોસ્પિટલમાં ફાયર - એનઓસી, એન્ટ્રી - એકઝીટના ગેઇટ અલગ વિગેરે બાબતો ચેક કરાઇ છે, આમ છતાં આ મુદ્દો આજની કોર કમિટિની મીટીંગમાં પણ ચર્ચાશે, અને નિર્ણય લેવાશે.

તેમણે જણાવેલ કે, પોલીસ કમિશનરશ્રી, મ્યુ. કમિશનરશ્રી, બંને અધિકારીઓ 'આગ'ની ઘટના - હોસ્પિટલ નિયમ પ્રમાણે હતી કે કેમ વિગેરે બાબતે તપાસ કરાવી રહ્યા છે.

કલેકટરે જણાવેલ કે, ભવિષ્યમાં આવા બનાવો ન બને તે મુદ્દો કોર કમિટિમાં અને તપાસના રીપોર્ટમાં અમે ખાસ 'ફોકસ' કરી રહ્યા છીએ, આ માટે શું કરવું તે પણ નિર્ણય લેવાશે.

તેમણે ઉમેર્યું હતું કે, આગનો પ્રારંભ આઇસીયુ વોર્ડથી થયો હતો, અને બાદમાં અન્યત્ર પ્રસરી હતી, રાજ્ય સરકારે નિમેલા તપાસનીશ અધિકારી અધિક મુખ્ય સચિવ શ્રી એ.કે.રાકેશ આજે બપોરે ૨ાા થી ૩ ની વચ્ચે રાજકોટ આવી સીધા ઘટના સ્થળે જશે, તેમની સાથે કલેકટર - પોલીસ કમિશનર - મ્યુ. કમિશનર પણ રહેશે, તપાસમાં સક્રિય સહકાર રહેશે, બાદમાં સાંજે શ્રી એ.કે.રાકેશ તમામ અધિકારીઓ સાથે ખાસ મીટીંગ કરશે.

(2:53 pm IST)