મુખ્ય સમાચાર
News of Friday, 27th November 2020

મોડી રાત્રે ૧ વાગ્યે કલેકટરે મુખ્યમંત્રીને 'આગ' અંગે તમામ વિગતો જણાવી : સીટી પ્રાંત-૨ ગોહિલ પાસેથી આજે રીપોર્ટ લેશે

પહેલા શોર્ટ સરકીટથી આગ લાગી બાદમાં બ્લાસ્ટ સાથે ત્રણ માળ ઓન ધ સ્પોટ આગની લપેટમાં આવી ગયા : કુલ ૩૩ દર્દી હતા : ૫ ના મોત : બાકીના દર્દીને ગોકુલની બે હોસ્પિટલમાં ખસેડાયા : ૨ ગંભીર એક વેન્ટીલેટર ઉપર : 'અકિલા' સાથે કલેકટરની વાતચીત

રાજકોટ તા. ૨૭ : શહેરના મવડી વિસ્તારના આનંદ બંગલા ચોકમાં આવેલ કોવિડ ઉદય શિવાનંદ હોસ્પિટલમાં મોડીરાત્રે ભયાનક આગ ફાટી નિકળતા હાહાકાર મચી ગયો છે, ૫ દર્દીના આગમાં ભડથુ થવાથી કરૂણ મોત નીપજ્યા છે, ૨ની સ્થિતિ અત્યંત ગંભીર છે, જેમાં એક દર્દી વેન્ટીલેટર ઉપર હોવાનું કલેકટર શ્રી રેમ્યા મોહને આજે સવારે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

તેમણે જણાવેલ કે પહેલા શોર્ટ સરકીટ અને બાદમાં ગણત્રીની મીનીટોમાં બ્લાસ્ટ થતા જોતજોતામાં ત્રણ માળ આગની લપેટમાં આવી ગયા હતા, બાદમાં અન્ય ૨ માળમાં પણ આગ પ્રસરી હતી, કુલ ૫ માળમાં આગ લાગી હતી.

તેમણે જણાવેલ કે, હોસ્પિટલમાં કુલ ૩૩ દર્દી હતા. તેમાં ૫ના મોત થયા છે, અન્ય દર્દીઓને કુવાડવા રોડ પર અને વિદ્યાનગર મેઇન રોડ પરની ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા છે, ૨ની હાલત ગંભીર છે, જેમાં એક વેન્ટીલેટર ઉપર છે.

તપાસ અંગે તેમણે જણાવેલ કે, રાજ્ય સરકાર ડાયરેકટ પોતે હાઇલેવલ તપાસ કરાવી રહી છે, અધિક મુખ્ય સચિવ શ્રી એ.કે.રાકેશને તપાસ સોંપાઇ છે, તેઓ આજે આવશે કે કેમ તે હવે જાણ થશે.

કલેકટરે ઉમેર્યું હતું કે, ઘટનાની જાણ થતા પોતે રાત્રે જ સીટી પ્રાંત-૨ શ્રી ચરણસિંહ ગોહીલને ઘટના સ્થળે મોકલ્યા હતા, આખી રાત તેઓ ત્યાં જ છે, પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરાવી રહ્યા છે. આજે બપોરે તેઓ સીટી પ્રાંત-૨ પાસેથી ઘટના અંગે રીપોર્ટ મેળવશે.

તેમણે જણાવેલ કે, મોડી રાત્રે ૧ વાગ્યે જ મુખ્યમંત્રીને ઘટના અંગે તમામ વિગતો પોતે આપી દિધી છે, આજે સીટી પ્રાંત-૨નો રિપોર્ટ મેળવાયા બાદ કાર્યવાહી થશે.

(12:21 pm IST)