મુખ્ય સમાચાર
News of Friday, 27th November 2020

આટ આટલા રૂપિયા લ્યો છો તેની સામે સુવિધા તો આપો...આના કરતાં તો સિવિલ સારીઃ મોરબીના નિતીનભાઇના સ્વજનોનો રોષ

૬૧ વર્ષના નિતીનભાઇ રવિવારથી દાખલ હતાં: ઢીંચણમાં તકલીફ હોઇ ભાગી શકે તેમ પણ નહોતાઃ માથામાં ઇજા થઇ છે, પડી જવાથી ઇજા થઇ હોઇ શકેઃ સંપુર્ણ તપાસ થવી જરૂરી : રાતે ૯ વાગ્યે નિતીનભાઇએ દિકરા તેમજ સગા-સંબંધીઓ સાથે વિડીયો કોલથી વાત કરી સારૂ હોવાનું કહ્યુંને રાતે મોત : રાતે ફોન આવ્યો-તમારા પિતા દાઝી ગયા છે, મને થયું રોંગ નંબર હશેઃ પુત્ર અંકિતભાઇ અવાચક

 ઉદય કોવિડ શિવાનંદ હોસ્પિટલમાં આઇસીયુમાં લાગેલી આગમાં જે પાંચ કોરોના દર્દીઓની જિંદગી ખતમ થઇ ગઇ તેમાં મોરબીના નિતીનભાઇ મણીલાલ બદાણી (ઉ.વ.૬૧) નામના જૈન વણિક વૃધ્ધને ગયા રવિવારે અહિ દાખલ કરાયા હતાં. તેઓ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પુત્ર અંકિતભાઇ બેંકમાં નોકરી કરે છે.

પુત્ર અંકિતભાઇ અને બીજા સ્વજનોએ માહિતી આપતા કહ્યું હતું કે હજુ ગત રાતે નવ વાગ્યે તો પિતાજીએ પોતાની પાસેના મોબાઇલમાંથી વિડીયો કોલ કરી અમારી સાથે વાત કરી હતી. મારી સાથે તેમજ મામા, ફુવા, માસા અને તેમના મિત્ર વર્તુળને વિડીયો કોલ કરી પોતાને ખુબ સારુ છે એવી વાત કરી હતી અને મને કહ્યુ઼ હતું કે તું ઘણા દિવસથી સુતો નથી તો નિરાંતે સુઇ જા. મને કયાં ખબર હતી કે તેઓ મને સુવડાવ્યા બાદ અચાનક દૂર્ઘટનામાં દુનિયા છોડી જશે!...રાતે સવા ત્રણ આસપાસ મને એક ફોન આવ્યો હતો અને ફોન કરનારે-હું ઉદય કોવિડમાથી બોલુ છું, તમારા પિતા દાઝી ગયા છે તેમ કહેતાં પહેલા તો હું હેબતાઇ ગયો હતો. પણ રોંગ નંબર હોવાનું કહી એ ભાઇને કહેલું કે મારા પપ્પા સાથે હજુ તો રાતે વાત થઇ, તમે કયાંથી બોલો છો? તો તેણે ઉદય કોવિડમાંથી જ બોલુ છું, આગ લાગી છે આવો...તેમ કહી ફોન કાપી નાંખ્યો હતો.

સ્વજનોએ આક્રોશ કર્યો હતો કે અમે અત્યાર સુધીમાં દોઢ લાખની ફી ભરી હતી. લોકો ખાનગી હોસ્પિટલમાં સારી સુવિધા અને સુરક્ષાના કારણોસર આવતાં હોય છે. જો અહિ પણ આવુ થતું હોય તો આના કરતાં સિવિલ હોસ્પિટલ વધુ સારી. આ ઘટનામાં સંપુર્ણ તપાસની માંગણી સ્વજનોએ કરી છે. તેમજ જણાવ્યું હતું કે અમારા વડિલ નિતીનભાઇને ઢીંચણમાં તકલીફ હતી. તેઓ બચવા માટે ભાગી શકે તેમ પણ નહોતાં. માથામાં તેમને ઇજા જોવા મળી છે. પડી જવાથી ઇજા થઇ કે કેમ? તેની પણ તપાસ થવી જોઇએ.

(12:18 pm IST)