મુખ્ય સમાચાર
News of Friday, 27th November 2020

સિડની વનડેમાં અદાણી ગ્રુપનો વિરોધ :ચાલુ મેચે હાથમાં પ્લે કાર્ડ લઇને મેદાનમાં ઘુસ્યો એક વ્યક્તિ

પ્લે કાર્ડમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અદાણી ગ્રુપને એક બિલિયન (આશરે 7389 કરોડ રૂપિયા)ની લોન ના આપે લખેલુ હતું

મુંબઈ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાઇ રહેલી મેચમાં અદાણી ગ્રુપનો વિરોધ કરવા માટે એક વ્યક્તિ ચાલુ મેચમાં મેદાનમાં ઘુસી આવ્યો હતો. આ વ્યક્તિના હાથમાં એક પ્લે કાર્ડ હતું.

મેચ દરમિયાન એક વ્યક્તિએ મેદાનમાં ઘુસીને અદાણી ગ્રુપનો વિરોધ કર્યો હતો, તેના હાથમાં એક પ્લે કાર્ડ હતું, જેની પર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અદાણી ગ્રુપને એક બિલિયન (આશરે 7389 કરોડ રૂપિયા)ની લોન ના આપે લખેલુ હતું. સાથે જ તેની ટી શર્ટ પર સ્ટોપ અદાણી લખેલુ હતું.

 

અત્રે ઉલ્લેખનીય છે કે ગૌતમ અદાણી ભારતના મોટા બિઝનેસમેન છે, તેમનો બિઝનેસ કેટલાક દેશમાં ફેલાયેલો છે. ઓસ્ટ્રેલિયામાં કોલ માઇન્સ માટે તેમનો ઘણો વિરોધ થયો હતો. આ મહિને સમાચાર આવ્યા હતા કે SBIએ અદાણીની ઓસ્ટ્રેલિયન માઇનિંગ કંપનીને 5,000 કરોડની લોન આપવાનું મન બનાવ્યુ છે.

પ્રદર્શનકારી આ ઘટનાનો વિરોધ કરી રહ્યા છે. પ્રોજેક્ટના વિરોધીઓનું માનવુ છે કે થર્મલ કોલ માટે થઇ રહેલા ખોદકામ પર્યાવરણ માટે ઘણુ નુકસાનકારક છે. બિઝનેસ સ્ટાન્ડર્ડ અનુસાર વર્ષ 2014માં SBI અને અદાણીએ 1 બિલિયન ડોલરની લોન માટે MOU સાઇન કર્યા હતા. જોકે, બાદમાં તેની પર વિવાદ થતા આ લોન અદાણીને મળી નહતી.

 

(12:17 pm IST)