મુખ્ય સમાચાર
News of Friday, 27th November 2020

કંગનાનો મોટો વિજય

કંગનાની ઓફિસમાં તોડફોડ ગેરકાયદેઃ BMC વળતર ચૂકવેઃ હાઇકોર્ટ

બોમ્બે હાઈકોર્ટે BMCને ડીમોલિશન નોટીસ પણ રદ કરવા આદેશ આપ્યો : બદલાની ભાવનાથી કાર્યવાહી થઇ હતી

મુંબઈ, તા.૨૭: બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ કંગના રનૌતના મુંબઈ સ્થિત બંગલામાં તોડફોડના કેસમાં એકટ્રેસને મોટી રાહત મળી છે. બીએમસીએ કરેલી તોડફોડને લઈને એકટ્રેસે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. ૨૭ નવેમ્બરે આ કેસમાં ઓર્ડર જાહેર કરતા બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ એસ. જે. કૈથાવાલા તથા આર. આઈ. છાગલાની ખંડપીઠે કહ્યું હતું, આવુ ખોટા ઇરાદાથી કરવામાં આવ્યુ હતું. આ અરજી કરનારને કાયદાની મદદ લેવાથી રોકવાનો એક પ્રયાસ હતો. આટલું જ નહીં કોર્ટે ગેરકાયદે બાંધકામની BMCના નોટિસને પણ રદ કરી દીધી છે.

૯ સપ્ટેમ્બરના રોજ પાલી હિલ સ્થિત કંગનાની ઓફિસ 'મણિકર્ણિકા ફિલ્મ્સ'ના અનેક ભાગોને BMCએ ગેરકાયદે ગણાવીને તોડી પાડ્યા હતા. ત્યાર બાદ કંગનાએ હાઈકોર્ટમાં અરજી કરીને આ કાર્યવાહીને ગેરકાયદે ગણાવીને BMC પાસે ૨ કરોડ રૂપિયાનું વળતર માંગ્યું હતું.

હાઈકોર્ટે કંગનાને રાહત આપતા તેની ઓફિસની યથાસ્થિતિ જાળવવાનો આદેશ આપ્યો હતો. જોકે કંગનાના વકીલે દાવો કર્યો હતો કે કોર્ટે જયાં સુધી કાર્યવાહી પર પ્રતિબંધ મૂકયો ત્યાં સુધી બંગલાનો ૪૦ ટકા હિસ્સો તોડી પાડવામાં આવ્યો હતો, જેમાં ઝુમ્મર, સોફા તથા દુર્લભ કલાકૃતિ સહિત અનેક કિંમતી સંપત્તિ સામેલ હતી.

કોર્ટે કહ્યું હતું કે કેસને જોતાં એવું લાગી રહ્યું છે કે તોડફોડની કાર્યવાહી એકટ્રેસની સોશિયલ મીડિયા પોસ્ટ તથા નિવેદનોને કારણે એને ટાર્ગેટ બનાવવાના ઈરાદાથી કરવામાં આવી છે. બોમ્બે હાઈકોર્ટે નુકસાનના મૂલ્યાંકન માટે અધિકારીની નિયુકિત કરી છે.

(3:35 pm IST)