મુખ્ય સમાચાર
News of Friday, 27th November 2020

ઓવૈસીની ભાજપને ચેલેન્જ

પ્રચારમાં મોદીને પણ અજમાવી શકો : અમે પણ જોઇએ કેમ જીતાય છે ચૂંટણી

હૈદ્રાબાદ તા. ૨૭ : ગ્રેટર હૈદરાબાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને ત્યાં હવે રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. ત્યારે હવે હૈદરાબાદના સાંસદ અને ઓલ ઈંડિયા મઝલિસે ઈત્તેહાદ્દુલ મુસ્લિમીન ચીફ અસદ્દૂદ્દીન ઓવૈસીએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચેલેન્જ આપી છે. ઓવૈસીએ તો ત્યાં સુધી કહી દીધુ છે કે, તમે ઈચ્છો તો વડાપ્રધાન મોદીને પણ અજમાવી શકો છો, પછી જોવો ભાજપને કેટલી સીટો મળે છે.

એક ચૂંટણી સભાને સંબોધન કરતા ઓવૈસીએ કહ્યુ હતું કે, તમે નરેન્દ્ર મોદીને જૂના હૈદરાબાદમાં લઈ આવો અને ચૂંટણી પ્રચાર કરાવો, અમે પણ જોઈએ શું થાય છે? ભાજપવાળા બેઠકો અને રેલીઓ કરાવે અમે પણ જોઈએ કેટલી સીટો આવે છે ?

ઓવૈસીએ આગળ કહ્યુ હતું કે, આ નગરપાલિકાની ચૂંટણી છે. તેમ છતાં પણ તેઓ વિકાસ વિશેની વાતો નહીં કરે. હૈદરાબાદ એક વિકસીત શહેર બની ગયુ છે. અહીં કેટલીય MNC બનાવામાં આવી છે. પણ ભાજપ હૈદરાબાદના બ્રાન્ડ નામને નીચે લાવવા માગે છે.

હૈદરાબાદમાંથી ચાર વખતના સાંસદ રહેલા ઓવૈસીએ મોદીએ ત્યારે ચેલેન્જ આપી હતી, જયારે ભાજપે ત્યાં ચૂંટણી જીતવા માટે પ્રચારમાં પોતાના ધૂરંધરોને ઉતારવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત ભાજપ વોટરોનું ધ્રવીકરણનું પણ કામ કરી રહી છે. તેમના નેતા ગ્રેટર હૈદરાબાદના જૂના શહેરમાં સર્જિકલ સ્ટ્રાઈક કરવાની પણ વાત કહી રહ્યા છે.

(11:36 am IST)