મુખ્ય સમાચાર
News of Friday, 27th November 2020

હલ્લાબોલ... દિલ્હી બોર્ડર સુધી પહોંચ્યા ખેડૂતો : પાનીપતમાં વોટર કેનનનો ઉપયોગ : યુપીમાં પ્રદર્શનનું એલાન

આજે ઉત્તર પ્રદેશમાં પણ ખેડૂતો રસ્તા પર ઉતરશે અને કૃષિ કાયદાનો વિરોધ કરશે

નવી દિલ્હી તા. ૨૭ : કૃષિ કાયદા વિરુદ્ઘ ખેડૂતોનું પ્રદર્શન આજે પણ જારી છે. મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી આવવાનો પ્રયાસ કરી રહ્યાં છે પરંતુ પંજાબ-હરિયાણા બોર્ડર પર પોલીસે સઘન સુરક્ષા કરવામાં આવી છે. અહીં ખેડૂતોએ આખીરાત ડેરો જમાવી રાખ્યો અને સવારથી જ સૂત્રોચ્ચાર કરી રહ્યાં છે. આજે ઉત્તર પ્રદેશમાં પણ ખેડૂતો રસ્તા પર ઉતરશે અને કૃષિ કાયદાનો વિરોધ કરશે.

ખેડૂતોનું પ્રદર્શન પણ ચાલી રહ્યુ છે અને હવે વધુ આક્રામક થતુ જઇ રહ્યું છે. શુક્રવારે સવારે ખેડૂત પોલીસ દ્વારા તમામ રોક હટાવીને રોહતક પહોંચી ગયા છે, અહીં રોહતક-દિલ્હી હાઇવે પર ખેડૂતો એકઠા થવાનું શરૂ થઇ ગયા હતા. બીજી બાજુ સોનીપતમાં પણ ખેડૂતો અને પોલીસમાં તણાવ વધી ગયો છે, ખેડૂતોનો એક જથ્થો પાણીપત-સોનીપત બોર્ડર પર પહોંચી ગયાં. ખેડૂતોએ પણ બેરિકેડિંગને હટાવાનું શરૂ કરી દીધું.

ગુરૂવારે પંજાબથી ચાલેલા ખેડૂતોનો પંજાબ-હરિયાણા બોર્ડર પર પોલીસ સાથે સંઘર્ષ થયો. દિલ્હી-હરિયાણા બોર્ડર પર સ્થિતિ તણાવપૂર્ણ રહી. આજે હવે યુપીના ખેડૂતો પણ રસ્તા પર ઉતરશે. ભારતીય ખેડૂત યુનિયનના નેતા રાકેશ ટિકેતે મોટુ એલાન કરતાં કહ્યું કે યુપીના ખેડૂતો રસ્તા પર ઉતરશે. ટિકેટ અનુસાર આજે સવારે ૧૧ વાગ્યાથી મોટુ પ્રદર્શન થશે. રાકેશે કહ્યું કે યુપીના ખેડૂતો દિલ્હી-દહેરાદૂન હાઇવે જામ કરશે. પ્રદર્શનના કારણે એનસીઆરમાં પહેલાથી જ મેટ્રોલ સેવા બંધ છે અને નોએડાથી દિલ્હી મેટ્રો નથી જઇ રહી.

દિલ્હી-હરિયાણાના સિંધુ બોર્ડર પર પણ ખેડૂતોનો જમાવડો થવાની આશંકા છે. તેવામાં દિલ્હી પોલીસે બોર્ડરને સીલ કરી દીધી છે જેથી ખેડૂતોને દિલ્હી આવવાથી રોકી શકાય. અહીં મોટી સંખ્યામાં પોલીસબળ તૈનાત છે.

પંજાબ અને હરિયાણા બોર્ડર પર શુક્રવારની સવારથી જ હોબાળો શરૂ થયો. અહીં આખી રાત ખેડૂતોએ ચક્કાજામ કર્યો અને સવાર થતાં જ સૂત્રોચ્ચા કરતાં દિલ્હી કૂચનો પ્રયાસ કર્યો. પરંતુ પોલીસે વોટર કેનનનો ઉપયોગ કરીને ખેડૂતોને રોકવાનો પ્રયાસ કર્યો. કૃષિ કાયદાની વિરુદ્ઘ ખેડૂતો દિલ્હી આવવાની જિદ પર અડેલા છે.

(11:36 am IST)