મુખ્ય સમાચાર
News of Friday, 27th November 2020

ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના સીઈઓ એફ.સી. કોહલીનું 96 વર્ષની વયે નિધન

કોહલીને જેઆરડી ટાટા જાતે જ ટાટા જૂથમાં લાવ્યા હતા.

નવી દિલ્હી : ભારતમાં 190 અબજ ડોલરના IT આઇટી ઉદ્યોગનું બીજ વાવનારા દિગ્ગજ પ્રબંધક અને નેતા ફકીરચંદ કોહલીનું  96 વર્ષની વયે અવસાન થયું હતું. ટોચની IT સેવાઓ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના સ્થાપક સીઇઓ તરીકે રહેલા કોહલીને જેઆરડી ટાટા જાતે જ ટાટા જૂથમાં લાવ્યા હતા.

ટાટા સન્સના અધ્યક્ષ એન. ચંદ્રશેખરે તેમને એક મહાન વ્યક્તિ ગણાવ્યા હતા કે જેમણે દેશમાં ઇન્ફર્મેશન ટેકનોલોજી ક્રાંતિનો પાયો નાખ્યો હતો. કોહલીને દેશનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ ભૂષણ એનાયત થયો હતો. માહિતી ટેકનોલોજી પ્રધાન રવિશંકર પ્રસાદે કોહલીને દેશના માહિતી ટેકનોલોજી ઉદ્યોગનું નેતૃત્વ કરનાર સ્વપ્નદ્રષ્ટા તરીકે વર્ણવ્યા હતા. પૂર્વ કેન્દ્રીય પ્રધાન જયરામ રમેશે ભારતીય સોફ્ટવેર ઉદ્યોગના ‘ભીષ્મ પિતામહ’ તરીકે ઓળખાવ્યા હતા.

ઇન્ફર્મેશન ટેકનોલોજી કંપનીઓના સંગઠન નાસકોમે કહ્યું કે કોહલીએ દેશ માટે ટેકનોલોજી ક્ષેત્રે ભવિષ્ય જોયું અને ટીસીએસની રચના કરી હતી. જાન્યુઆરીમાં એક કાર્યક્રમ દરમિયાન, ઇન્ફોસિસના સહ-સ્થાપક એન.કે. આર. નારાયણ મૂર્તિએ કોહલીને ચરણ સ્પર્શ કરી આદર વ્યક્ત કર્યો હતો. વિપ્રોના વડા અઝીમ પ્રેમજીએ કહ્યું કે, કોહલી ભારતીય માહિતી ટેકનોલોજી ઉદ્યોગના ખરા અગ્રણી હતા અમે તેમના પગલે ચાલ્યા છીએ.

(10:18 am IST)